ઉકાળા માટે લાઇનો: કોરોનાએ માથું ઊંચકતાં લોકો ફરી આયુર્વેદના શરણે
(એજન્સીઅમદાવાદ, કોરોના વાઇરસ મહામારીએ ફરી એક વાર માથુ ઊંચકતા લોકો ચિંતાના માર્યા દવાખાનાઓમાં દોડાદોડી કરી રહ્યા છે તો જેમને કોરોનાના લક્ષણો નથી તેઓ તેનાથી બચવા માટે ફરી એકવાર આયુર્વેદને શરણે ગયા છે. કોરોનાની ત્રીજી લહેર શરૂ થયા પછી ઇમ્યુનિટી વધારવા માટે ઉકાળો પીવાનું ચલણ ઝડપથી વધી રહ્યું છે એટલું જ નહીં આયુર્વેદની અનેક દવાઓ લોકો સરકારી આયુર્વેદ દવાખાનામાંથી મેળવવા માટે જઇ રહ્યા છે.
તેને કારણે દવાખાનાઓમાં ઓપીડી હાઉસફૂલ જાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે દરેક ઘરમાં શરદી, ખાંસી જેવા લક્ષણો દેખાતા જ કે ચોમાસાની કે શિયાળાની ઋતુમા લોકો ઘરગથ્થુ ઉપાય તરીકે તુલસી આદું સહિત નેક આયુર્વેદિક ઔષધીના ઉકાળાનો ઉપયોગ કરે છે. પરંતુ જ્યારથી કોરોના મહામારી ફેલાઇ ત્યારથી એટલે કે છેલ્લા બે વર્ષથી લોકોમાં ઉકાળાને ઇમ્યુનિટી બુસ્ટર તરીકે ઉપયોગ કરવાનું ચલણ ઝડપથી વધ્યુ છે.
આયુષ મંત્રાલય દ્વારા પણ મહામારીના સમયમાં કોરોનાથી બચવા માટે ઘરેલું ઉપાયો અંતર્ગત ઇમ્યૂન સિસ્ટમને મજબૂત કરવા માટે ઉકાળાના પ્રયોગની સલાહ આપવામાં આવે છે. સરકારની ગાઇડલાઇન અનુસાર “તુલસી, તુજ, મરી, સુંઠ અને સૂકી દ્રાક્ષથી બનેલી હર્બલ ચાનો દિવસમાં એક કે બે વાર ઉકાળો પીવાની સલાહ અપાઇ છે. કોરોના સામે રક્ષણ અર્થે કેન્દ્રના આયુષ વિભાગ દ્વારા ઉકાળા અને વિવિધ વટીનું સંજીવની રથ દ્વારા વિતરણ કરવામાં આવે છે.