‘ઉજાલા બલ્બ’ના નાણાં ચૂકવવા છતાં વીજ બીલમાં ઉઘરાણી થતાં ગ્રાહક કોર્ટમાં ફરિયાદ
અન્ય ગ્રાહકે પંખો રોકડેથી લીધો છતાં વીજ કંપનીની ઉઘરાણી
(પ્રતિનિધિ)ભરૂચ, ભારત સરકારની ઉજાલા યોજના અંતર્ગત વીજ કંપની તરફથી વીજ કંપનીના ગ્રાહકોને સસ્તા ભાવે ઉજાલા બલ્બ આપવામાં આવ્યા હતા.જે ગ્રાહકોએ રોકડા રૂપિયા આપીને લીધા હતાં.છતાં વીજ કંપનીના ગ્રાહકો પાસે દર બે મહિનાના બીલમાં ઉજાલા બલ્બના હપ્તા પ્રમાણેની ઉઘરાણી થતાં ગ્રાહકો વીજ કંપનીના આવા લોલમલોલ વહીવટથી ત્રાસી જઈ આખરે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ફરિયાદ આપી ન્યાયની માંગણી કરી હતી.
મળતી માહિતી મુજબ આમોદ નગરના આંબેડકરનગર ખાતે રહેતા શાંતાબેન ભરતકુમાર પરમારે તા.૨૦મી જૂન ૨૦૧૯ના રોજ ૧૦ બલ્બની ખરીદી કરી ૮૦૦ રૂપિયા રોકડા આપી બિલ પણ લીધું હતું.છતાં પણ આમોદની દક્ષિણ ગુજરાત વીજ કંપનીના બીલમાં દર બે માસે ઉજાલા બલ્બની ખોટી રીતે ઉઘરાણી કરી
૭૦ રૂપિયા લેખે હપ્તા પેટે ઉમેરવામાં આવતા હતાં.જે બાબતે તેમણે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના નાયબ કાર્યપાલક ઇજાનેરને ૨૯ મી જુલાઈ ૨૦૨૧ તથા ૨જી ઓગષ્ટ ૨૦૨૧ના રોજ લેખિત ફરિયાદ કરી ઉજાલા બલ્બની ઉઘરાણી બંધ કરવા જણાવ્યું હતું.છતાં વીજ કંપનીના અંધેર વહીવટને કારણે ગ્રાહકને કોઈ પણ પ્રકારનો પ્રત્યુત્તર આપવામાં આવ્યો નહોતો.
તેમજ વીજ કંપની તરફથી ઉજાલા બલ્બ માટેની ઉઘરાણી ચાલુ રહેતાં શાંતાબેન ભરતકુમાર પરમારે ભરૂચ જિલ્લા ગ્રાહક સુરક્ષા કોર્ટમાં વીજ કંપની સામે માનસિક ત્રાસ તથા અન્ય ખર્ચ પેટે ૨૫૦૦૦ નું વળતર માટેની માંગણી કરી ન્યાય માટે ગ્રાહક કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.
વીજ કંપનીએ ખોટી રીતે ૧૦ હપ્તા લઈ ૭૦૦ રૂપિયાની ગેરકાયદે ઉઘરાણી કરી ગ્રાહકને આર્થિક ફટકો માર્યો.
આમોદના આંબેડકર નગર ખાતે રહેતા શાંતાબેન પરમારે ૧૦ ઉજાલા બલ્બની રોકડેથી ખરીદી કરી હતી અને તેમણે આપેલા બિલની રસીદ પણ લીધી હતી.
જેથી તેમણે અવારનવાર મૌખિક તેમજ લેખિત અરજીઓ કરી દક્ષિણ ગુજરાત વીજ કંપનીના નાયબ કાર્યપાલક ઇજનેરને જાણ કરી હોવા છતા તેમના બે મહિનાના માસિક બીલમાં ૭૦ રૂપિયા લેખે કુલ ૧૦ હપ્તા પેટે ૭૦૦ રૂપિયા ગેરકાયદેસર રીતે વીજ કંપની તરફથી વસુલવામાં આવ્યા હતાં.અને ગ્રાહકને ૭૦૦ રૂપિયાનો આર્થિક ફટકો લગાવ્યો હતો.
આ ઉપરાંત આમોદના આમલીપુરા ખાતે રહેતા મણિલાલ ભોગીલાલ શાહના નામથી આમોદ વીજ કંપની તરફથી ૩જી એપ્રિલ ૨૦૧૭ ના રોજ સિલિંગ પંખો લેવામાં આવ્યો હતો.જેનું ૧૧૧૦ રૂપિયા બિલ પણ રોકડેથી ભરીને રસીદ પણ મેળવી લીધી હતી.
છતાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના બીલમાં ઉઘરાણી થતાં અરજદારે નાયબ કાર્યપાલક ઈજનેર આમોદને રોકડેથી ચૂકવેલ બીલના નાણાંની રસીદ સહિતની અરજી કરી ગેરકાયદેસર ઉઘરાણી બંધ કરવા જણાવ્યું હતું. દક્ષિણ ગુજરાત વીજ કંપનીના નાયબ કાર્યપાલક ઈજનેર તથા ભરૂચના કાર્યપાલક ઇજનેરને ગ્રાહક કોર્ટમાં હાજર રહેવા ફરમાન.
આમોદની દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ ઉજાલા બલ્બની અરજદાર શાંતાબેન ભરતકુમાર પરમાર પાસે ખોટી રીતે ઉઘરાણી કરી ગ્રાહકને આર્થિક નુકશાન પહોંચાડી માનસિક ત્રાસ આપવાને કારણે શાંતાબેન પરમારે ભરૂચ જિલ્લા ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરતાં કોર્ટે આમોદના નાયબ કાર્યપાલક ઈજનેર તથા ભરૂચના કાર્યપાલક ઇજનેરને ૨૫ નવેમ્બર ૨૦૨૧ ના રોજ ગ્રાહક કોર્ટમાં હાજર રહેવા ફરમાન કર્યું છે.