ઉજ્જવલા યોજના અને ઘરે ઘરે શૌચાલયના કારણે ગરીબોના સ્વાસ્થ્યમાં ૭૦ ટકા સુધી સુધારો થયો
ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં 10 કિલોમીટરની અંદર આયુષમાન ભારત હેઠળ સારવાર મળી રહે તેવું આયોજન કરાશે: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ- કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહના હસ્તે ગાંધીનગર ખાતે વિવિધ વિકાસ પ્રકલ્પોનો લોકાર્પણ-ખાતમુહૂર્ત અને સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો
ગાંધીનગર, કેન્દ્રિય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે શુક્રવારે ગાંધીનગર ખાતે જણાવ્યું હતું કે એક એનજીઓના અભ્યાસ પ્રમાણે માત્ર ઉજ્વલા યોજના અને ઘરે ઘરે શૌચાલય નિર્માણથી ગરીબોના સ્વાસ્થ્યમાં 70 ટકા સુધીનો સુધારો જોવા મળ્યો છે. આવી યોજનાઓ માટેના પ્રધાનમંત્રીના વિઝન વિષે બોલતા તેમણે જણાવ્યું હતું કે જેણે ગરીબી અનુભવી હોય એ જ આવી યોજનાઓ અંગે વિચારી શકે. તેમણે ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કેટલું ઝીણવટપૂર્વક વિચારી શકે છે તેનો આ જીવતો જાગતો દાખલો છે. કેન્દ્રિય ગૃહ મંત્રી તથા ગાંધીનગર સંસદસભ્યશ્રી અમિત શાહ આજે મહાત્મા મંદિર ખાતે ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર, ગાંધીનગર મહાનગરપાલિકા તથા ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા આયોજિત વિવિધ વિકાસ પ્રકલ્પોના મેગા લોકાર્પણ- ખાતમુહૂર્ત તથા સહાય વિતરણ કાર્યક્રમ દરમિયાન લાભાર્થીઓને સંબોધી રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે તેમના બે દિવસના પ્રવાસ દરમિયાન તેમના સંસદીય મતવિસ્તાર ગાંધીનગરમાં રૂપિયા 1378 કરોડના લોકાર્પણ અને ભૂમિપૂજન કાર્યક્રમો આયોજિત કરાયા છે. જેનાથી 36 હજારથી વધુ લાભાર્થીઓને અલગ અલગ પ્રકારના લાભો મળશે. તેમણે જણાવ્યું હતું કે જો દરેક સંસદ સભ્ય પોતાના મતવિસ્તારને વ્યવસ્થિત કરે તો આપોઆપ આખો દેશ વ્યવસ્થિત થઈ જાય તેમ છે. તેમણે આશ્વાસન આપ્યું હતું કે તેઓ ગાંધીનગરને ઉત્તમમાં ઉત્તમ સંસદીય ક્ષેત્ર બનાવવા માટે તમામ પ્રયત્નો કરશે.
ગાંધીજીની 150મીજયંતીની ઉજવણી વિશે બોલતા શ્રી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે દુનિયાની તમામ સમસ્યાઓનું સમાધાન ગાંધી વિચારોમાંથી મળી રહે તેમ છે. આથી જ ગાંધીજીના વિચારો શાશ્વત કહેવાયા છે. આ પ્રસંગે તેમણે ઉપસ્થિત લોકોને પ્લાસ્ટિક બેગ ન વાપરવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પ્લાસ્ટિક બેગ ન વાપરવી એ પણ દુનિયા માટે એક મોટી સેવા સમાન છે.
ગાંધીનગર શહેર ખાતે આયોજિત કાર્યક્રમમાં કેરોસીન ફ્રી ગાંધીનગરના લાભાર્થીઓને કીટ વિતરણ, વિધવા સહાય- વૃદ્ધ સહાયના લાભાર્થીઓને મંજૂરી પત્રો, આયુષ્યમાન ભારત કાર્યક્રમના લાભાર્થીઓને કાર્ડ વિતરણ, કુડાસણ ખાતે શેલ્ટર હોમનું ખાતમુહૂર્ત, ગાંધીનગર સ્માર્ટ સિટી યોજના હેઠળ રોડ નંબર -૬ અને ૭ તથા ગ-રોડ સ્માર્ટ રોડ કામગીરીનું ખાતમુહૂર્ત, ગાંધીનગર સ્માર્ટ સિટી યોજના હેઠળ ઘ-૪ જંકશન અને ગ-૪ જંકશન ખાતે અન્ડરપાસના કામોનું ખાતમુહૂર્ત, ઈન્ટિગ્રેટેડ કમાન્ડ કંટ્રોલ સેન્ટરનું લોકાર્પણ, મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત કુડાસણ ખાતે નિર્માણ થયેલા એમ.આઈ.જી પ્રકારના ૪૮૦ આવાસોની સોંપણી, કુડાસણ -સરગાસણ- રાયસણ અને વાવોલ ખાતેની ટીપી સ્કીમોમાં પાણી પુરવઠો પૂરો પાડવાના કામોનું લોકાર્પણ અને કુડાસણ- સરગાસણ તથા રાયસણ ખાતેની ટીપી સ્કીમોમાં નિર્મિત બગીચાઓનું લોકાર્પણ સહિતના વિવિધ વિકાસ પ્રકલ્પોનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ જણાવ્યું હતું કે ગુજરાત સંપૂર્ણ સુવિધાઓ સાથેના સૌથી વધુ ઘર બનાવનાર રાજ્ય બન્યું છે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, ગૃહ મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, મહેસુલ મંત્રી શ્રી કૌશિકભાઈ પટેલ તથા ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી રીટાબેન પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.