ઉજ્જૈનથી કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબે ઝડપાયો

ઉજ્જૈન: કાનપુર નજીક સંતાયેલા કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબેને પકડવા ગયેલી યુપી પોલીસ પર અંધાધૂંધ ગોળીબાર કરાતા ૮ પોલીસ જવાનો શહીદ થયા હતા આ ઘટના બાદ સમગ્ર રાજયની પોલીસ તથા યુપી અને મધ્યપ્રદેશની પોલીસે સંયુક્ત રીતે ફરાર થઈ ગયેલા વિકાસ દુબેને ઝડપી લેવા ખાસ ઓપરેશન શરૂ કર્યું હતું
જેમાં ઉજ્જૈનથી વિકાસ દુબે પકડાયો હોવાનું જાણવા મળી રહયું છે. યુપી પોલીસે વિકાસ દુબે પર ઈનામ વધારીને પ લાખનું કર્યું હતું અને આ દરમિયાનમાં જ પોલીસને મળેલી બાતમીના આધારે સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું હોવાનું ચર્ચાઈ રહયું છે. ગઈકાલે વિકાસ દુબેના બે સાગરિતોને ઠાર મારવામાં આવ્યા હતાં.
સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ ઉત્તર પ્રદેશના કાનપુર નજીક સાત દિવસ પહેલા પોલીસને મળેલી બાતમીના આધારે કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબેને પકડવા પોલીસ ટીમ પહોંચી હતી પરંતુ પોલીસ પહોંચે તે પહેલા જ વિકાસ દુબે અને તેના સાગરિતોએ પોલીસ ટીમ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો જેમાં ૮ પોલીસ જવાનો શહિદ થયા હતા આ ઘટનાના પગલે ઉત્તર પ્રદેશ સરકારે ગૃહ વિભાગને જરૂરી સુચનાઓ આપી હતી અને કોઈપણ સંજાગોમાં વિકાસ દુબેને પકડી લેવા માટે સમગ્ર રાજય તથા મધ્યપ્રદેશમાં ઓપરેશન શરૂ કરવાનો પણ આદેશ આપ્યો હતો
જેના પગલે ઉત્તરપ્રદેશની પોલીસે વિકાસ દુબેના તમામ સ્થળો પર વ્યાપક દરોડા પાડયા હતાં જેમાં તેના કેટલાક સાગરિતોને પકડી લેવામાં આવ્યા હતા અને તેઓની પુછપરછમાં મહત્વપૂર્ણ વિગતો પોલીસને મળી હતી આ વિગતોના આધારે ઉત્તર પ્રદેશ પોલીસે ટીમો બનાવી ઓપરેશન શરૂ કર્યું હતું. ગઈકાલે પોલીસને મળેલી બાતમીના આધારે દરોડા પાડયા હતાં પરંતુ પોલીસ પહોંચે તે પહેલા જ તે ફરાર થઈ ગયો હતો. ઉત્તર પ્રદેશની સાથે સાથે મધ્યપ્રદેશની પોલીસ પણ તપાસ કરી રહી હતી ખાસ કરીને જંગલોમાં ઘનિષ્ઠ રીતે ચેકિંગ કરવામાં આવ્યું હતું.
ગઈકાલે ઉત્તરપ્રદેશની પોલીસે વિકાસ દુબેના બે સાગરિતોને ઠાર માર્યાં હતાં આ ઘટના બાદ પોલીસે ઓપરેશન તેજ કર્યું હતું બીજીબાજુ વિકાસ દુબે સતત સ્થળો બદલતો રહેતો હતો અને તેની વિગતો પણ પોલીસને મળતી રહેતી હતી આ દરમિયાનમાં વિકાસ દુબે ઉજ્જૈનમાં સંતાયો હોવાની વિગતો મળી હતી
જેના આધારે પોલીસે ગઈકાલે સમગ્ર ઉજ્જૈન શહેરમાં વોચ ગોઠવી દીધી હતી. સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ મોડી રાત્રે પોલીસે બાતમીના સ્થળે દરોડો પાડયો હતો અને તેમાં વિકાસ દુબેને ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે વિકાસ દુબેની પ્રાથમિક પુછપરછ કરતા કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવી છે અને તેના રાજકીય કનેકશનો પણ ખુલવા પામ્યા છે. વિકાસ દુબેને ઉત્તર પ્રદેશના હેડકવાર્ટર લખનૌ ખાતે લઈ જવામાં આવી રહયો છે ઉચ્ચ અધિકારીઓએ સમગ્ર ટીમને અભિનંદન આપ્યા હતાં. વિકાસ દુબે ક્યાંક્યાં સંતાયો હતો તેની વિગતો મેળવવામાં આવી રહી છે અને તેને સંતાડવામાં મદદ કરનાર લોકો સામે પણ કડક કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવી રહયો છે. વિકાસ દુબે એક સપ્તાહ બાદ પકડાતા પોલીસ તંત્રએ હાશકારો અનુભવ્યો છે.