ઉતરાખંડના સ્પીકર વડોદરા એરપોર્ટથી કલાકોમાં રવાના
વડોદરા, ઉતરાખંડના ચમોલી તપોવનમાં ગ્લેશિયર તુટી પડતા ઋષીગંગા નદીમાં ભયાનક પુરની સ્થિતી છે. આ ઘટનામાં એનટીપીસીના ઋષીગંગા પાવર પ્રોજેક્ટમાં કામ કરી રહેલા ૧૫૦થી વધારે લોકો તણાયા હોવાની આશંકા છે. જેના પગલે ઉતરાખંડના સ્પીકર પ્રેમચંદ અગ્રવાલ પોતાનો એસઓયુનો પ્રવાસ રદ્દ કરીને ઉતરાખંડ જવા માટે રવાના થયા છે.
તેઓ વડોદરાથી ઉતરાખંડ જવા માટે રવાના થઇ ગયા છે. અત્રે નોંધનીય છે કે, તેઓ રવિવારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે હતા. જાે કે ઘટના અંગે માહિતી મળતા જ તેઓ પરત ફરી ગયા છે. પ્રેમચંદ અગ્રવાલે આ અંગે જણાવ્યું કે, ગ્લેશિયર તુટવાની ઘટનાના પગલે ઋષીગંગા પાવર પ્રોજેક્ટને ખુબ જ મોટુ નુકસાન પહોંચ્યું છે.
આ ઘટના અંગે સાંભળીને જ હું થથરી ગયો છું. ૨૦૧૩ની ઘટના હજી પણ મગજપર છે. ભગવાન રાજ્ય અને રાજ્યનાં નાગરિકોની રક્ષા કરે તેવી પ્રાર્થના કરૂ છું. સરકાર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ચલાવાઇ રહી છે.