ઉતરાયણના પર્વને અનુલક્ષીને અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યુ.
અમદાવાદ શહેર પોલીસ કમિશનરની હકૂમત હેઠળ આ સમગ્ર વિસ્તાર માટે ઉતરાયણના પર્વની અનુલક્ષીને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આગામી 14/1/2022 ના રોજ અમદાવાદ શહેરમાં મકરસંક્રાંતિ (ઉત્તરાયણ) પર્વની ઉજવણી થનાર છે ઉત્તરાયણ પર્વ નિમિત્તે ઘણા લોકો પતંગ ઉડાડવા માટે માંઝા અથવા દોરી, નાયલોન અથવા અન્ય સિન્થેટિક મટીરીયલ અથવા પદાર્થથી કોટેડકરેલ હોય અને નોન બાયોડિગ્રેડેબલ હોય તેવા ચાઈનીઝ દોરાનો ઉપયોગ કરતા હોય છે.
જેના ઉપયોગ ઉપર નામદાર ગુજરાત હાઈકોર્ટે તથા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. આ ચાઇનીઝ માંજા (દોરા) ને કારણે લોકોને શારીરિક ઇજાઓ થવાના અને કેટલાક સંજોગોમાં ઇજાગ્રસ્ત વ્યક્તિનું મોત નીપજવા સુધીના ગંભીર બનાવો બનતા હોય છે.
ઉપરાંત ચાઈનીઝ માંઝા દોરી પશુ-પક્ષી તથા પર્યાવરણ માટે પણ જોખમી છે ઉપરાંત કેટલાક લોકો દ્વારા આ પર્વ નિમિત્તે સ્કાય લેન્ટર્ન (ચાઇનીઝ તુક્કલ) ઉડાડવામાં આવે છે. જે સળગતા હોય ત્યારે ગમે ત્યાં પડવાને કારણે આગજનીના બનાવ બનવાની તથા જાનમાલને નુકસાન થવાની શક્યતાઓ રહેલી છે.
આ પર્વ દરમિયાન કેટલાક લોકો બેફિકરાઈથી અને ભયજનક રીતે પતંગ ઉડાડતા હોય છે. તહેવારની ઉજવણી દરમિયાન પતંગ ચગાવવા /પતંગ કાપવા/ પતંગ લૂંટવા/ લાઉડ સ્પીકર વગાડવા જેવી બાબતોથી લોકો વચ્ચે તકરાર ઘર્ષણના બનાવો બને છે. તો આવી તકરારો અલગ-અલગ જૂથના લોકો વચ્ચે બનવા પામે તો તેવા સંજોગોમાં જૂથ અથડામણના બનાવો બનવાની શક્યતાઓ રહે છે જેથી જાહેર સુલેહ શાંતિનો ભંગ થવાની શક્યતાઓ રહેલી છે.
હાલમાં કોરોનાવાયરસની મહામારી ચાલી રહેલ હોય covid 19 ના સંક્રમણને અટકાવવા માટે ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ ગાઇડલાઈનનું ઉત્તરાયણના તહેવાર દરમિયાન સંપૂર્ણ પાલન થાય તેમજ નામદાર ગુજરાત હાઈકોર્ટ તથા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશનું પાલન થાય તે જરૂરી છે.
જે માટે નીચે મુજબ કૃત્યોમાટે પ્રતિબંધિત જારી કરવામાં આવ્યો છે.
આમ જનતાની લાગણી દુભાઈ તે રીતે પતંગ ઉપર ઉશ્કેરણીજનક લખાણો લખી પતંગ ઉડાડવા નહીં, લાગણી દુભાય તે રીતે લાઉડ સ્પીકર વગાડવા નહીં, નાયલોન/પાકા સિન્ન્થેટિક મટીરીયલ, કાચ પાયેલા તથા અન્ય હાનિકારક પદાર્થોનો ઉપયોગ કરી તૈયાર કરેલ
તથા નોન-બાયોડિગ્રેડેબલ હોય તેવા ચાઈનીઝ માંઝા, ચાઇનીઝ તુક્કલના ઉત્પાદન, આયાત, ખરીદ, વેચાણ , સંગ્રહ અને વપરાશ કે ઉપયોગ કરવા ઉપર/ ચાઇનીઝના દોરાના ઉપયોગ કરી પતંગ ઉડાડવા નહીં. ચાઇનીઝ તુક્કલ ઉડાડવા નહીં. કોઈપણ વ્યક્તિએ જાનનું જોખમ થાય તે રીતે જાહેર માર્ગ ,રસ્તા/ફુટપાથ
તેમજ ભયજનક મકાન, ધાબા પર પતંગ ઉડાડવા નહીં તેમજ કપાયેલા પતંગો અને દોરાઓ મેળવવા માટે હાથમાં લાંબા ઝંડાઓ,વાંસના બંબૂઓ, લોખંડના કે કોઈપણ ધાતુના તારના લંગર બનાવી શેરીઓ/ ગલીઓ/ જાહેર રસ્તાઓ ઉપર દોડાદોડી કરવી નહીં. તથા કોઇપણ વ્યક્તિઓ દ્વારા જાહેર રસ્તા ઉપર પશુઓને ઘાસચારો નાખી ટ્રાફિકને અડચણરૂપ થવું નહીં. સરકારશ્રીની કોવિડ ગાઇડલાઇનનો ભંગ થાય રીતે પતંગ ઉડાડવા નહીં
આ હુકમનો ભંગ કરનાર તથા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે તેમ અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી સંજય શ્રીવાસ્તવે જણાવ્યું છે.