ઉતરાયણમાં પોલીસ ડ્રોન દ્વારા નજર રાખશે
સ્થાનિક પોલીસને ધાબા પર પોઈન્ટ બનાવવા સુચના: રર ડ્રોનને મંજુરી
(પ્રતિનિધિ) અમદાવાદ, ઉતરાયણના તહેવારને ગણતરીના દિવસો બાકી રહયા છે ત્યારે માંડ કાબુમાં આવેલી કોરોનાની બિમારી ફરી ન વકરે એ માટે તંત્ર તૈયાર થઈ ગયું છે. ખાસ કરીને કોરોના વોરીયરમાં આવતી શહેર પોલીસે આ માટે કમર કસી લીધી છે અને તહેવારની ઉજવણી દરમિયાન ભાન ભુલીને શહેરીજનો ભીડ એકત્રિત ન કરે ઉપરાંત જાહેરનામાંનો ઉલ્લંઘન ન કરે એ માટેની તૈયારી શરૂ કરી છે. આ ઉપરાંત સ્થાનિક પોલીસ દ્વારા ધાબા ઉપર પોઈન્ટ બનાવીને તથા ડ્રોન દ્વારા પણ નજર રાખવામાં આવશે. એક તરફ કોરોનાની બિમારી માંડ કાબુમાં આવી છે બીજી તરફ દિવાળીના તહેવાર બાદ માથુ ઉંચકી ચૂકેલો કોરોના વાઈરસ ફરી બેકાબુ ન બને એ માટે સરકાર તથા પોલીસતંત્ર દ્વારા મસલત કરીને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાેકે પતંગના રસિયાઓ માટે માઠા સમાચાર એ છે કે દર વર્ષની જેમ આ વર્ષે પોતાના સગાં કે મિત્રોને ધાબા ઉપર ભેગા કરીને તહેવારનો આનંદ નહી માણી શકાય.
સુત્રો અનુસાર શહેરીજનો ગાઈડલાઈનનું ચુસ્તપણે અમલ કરે એ માટે પોલીસ દ્વારા સરપ્રાઈજ ચેકીંગ હાથ ધરવામાં આવશે. ઉપરાંત માર્ચ- એપ્રિલ મહીનામાં કરવામાં આવ્યો હતો એવો જ ઉપયોગ ફરી વખત ડ્રોનનો કરવામાં આવશે. આ રીતે સ્થાનિક પોલીસ દ્વારા સોસાયટીઓ, રોડ રસ્તા પર નજર રાખશે એ દરમિયાન કસૂરવાર મળી આવશે તેની ઉપર પેન્ડેમિક તથા જાહેરનામાના ભંગ જેવા કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત સંવેદનશીલ અથવા ગીચ વિસ્તારો પર નજર રાખવા માટે પોલીસ ડ્રોનનો ઉપયોગ કરશે. આ માટે રર જેટલા ડ્રોનના ઉપયોગ મંજુરી મેળવવામાં આવી છે જયારે સ્થાનિક પોલીસને ધાબા ઉપર પોઈન્ટ બનાવીને નજર રાખવાની સુચના આપવામાં આવી છે. સ્થાનિક પોલીસે પોતાની જરૂરીયાત અનુસાર ધાબા શોધી પોઈન્ટ ગોઠવવાની છુટ આપવામાં આવી છે. આ સિવાય સોસાયટીના કોમન પ્લોટ કે ખુલ્લી જગ્યામાં ભીડ એકત્રિત ન થાય એ માટે પણ પગલાં લેવામાં આવનાર છે ખાસ કરીને જાે કોઈ સ્થળે જરૂર જણાશે તો વધુ પોલીસ ફોર્સ પણ તૈનાત કરવામાં આવશે.