ઉત્તરપ્રદેશઃ સરકારી કચેરીઓમાં લંચનો સમય અડધા કલાકથી વધુ ન હોવો જોઈએ
લખનૌ, યુપીમાં સતત બીજી વખત મુખ્યમંત્રી બનનાર યોગી આદિત્યનાથે કાર્યવાહી શરૂ કરી દીધી છે. સરકારી કચેરીઓમાં લંચ ટાઈમ કરતાં વધુ સમય સુધી ગુમ રહેનાર કર્મચારીઓ માટે મંગળવારે મુખ્યમંત્રીએ નવો આદેશ આપ્યો છે. મુખ્યમંત્રીની સૂચના મુજબ સરકારી કચેરીઓમાં લંચનો સમય અડધા કલાકથી વધુ ન હોવો જોઈએ.
મળતી માહિતી પ્રમાણે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંગળવારે સવારે ટીમ-9ની સાથે બેઠક કરી હતી જેમાં આ નિર્દેશ આપ્યો હતો. મુખ્યમંત્રી ઓફિસમાં આને લઈને તાજેતરમાં જ એક ફરિયાદ કરવામાં આવી હતી. આ પછી આજે મળેલી બેઠકમાં સરકારી કચેરીઓમાં લંચનો સમય અડધો કલાક નક્કી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે, માર્ચ મહિનામાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામમાં બીજેપીએ એક વખત ફરી યુપીમાં વાપસી કરી છે અને યોગી આદિત્યનાથ સતત બીજી વખત રાજ્યના સીએમ બન્યા છે.
આ પછી મુખ્યમંત્રીએ ગુનેગારો સામે ઘણી કાર્યવાહી કરી છે. અનેક ગુનેગારોની ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર ચલાવ્યા છે.
પ્રતાપગઢમાં ડેપ્યુટી એસપી રહી ચૂકેલા નવનીત નાયકને ઉત્તર પ્રદેશ સરકારે પોલીસની નોકરીમાંથી બરતરફ કરી દીધા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહિલાના શારીરિક શોષણના આરોપોની તપાસ બાદ ડેપ્યુટી એસપી નવનીત નાયકને પોલીસ સેવામાંથી બરતરફ કરવાનો આદેશ આપ્યો હતો.