ઉત્તરપ્રદેશના મુઝફફરનગરમાં સાસરીયાના ત્રાસથી વહુ પંખે લટકી ગઈ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/Suicide-1-1024x569.jpg)
Files Photo
લખનૌ: ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરથી એક હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. એક પરિણિતાએ સાસરીવાળાના અત્યાચારોથી તંગ આવીને પોતાનું જીવન સમાપ્ત કરી દીધુ. શરમની વાત એ છે કે જ્યારે આ મહિલા આત્મહત્યા કરી રહી હતી ત્યારે તેના સાસરીવાળા વીડિયો બનાવવામાં મશગૂલ હતા. આત્મહત્યાનો આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયો. શાહપુર વિસ્તારના ગામની કોમલના લગ્ન દોઢ વર્ષ પહેલા દતિયાનાના રહીશ આશીષ સાથે થયા હતા. દંપત્તિને આઠ મહિનાની બાળકી હોવાનું પણ કહેવાય છે.
મળતી માહિતી મુજબ મુઝફ્ફનગરમાં છપાર વિસ્તારના ગામ દત્તિયાનામાં એક પરિણિત મહિલાએ સાસરીવાળાના ઉત્પીડનથી પરેશાન થઈને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. વહુ રૂમમાં પંખા સાથે લટકી ગઈ. આ બધુ થયું ત્યારે સાસરીવાળા ત્યાં હાજર હતા અને વહુને રોકવાની જગ્યાએ આત્મહત્યા કરી રહી હતી ત્યારે તેનો વીડિયો બનાવી લીધો.
પોલીસે વાયરલ વીડિયોને ધ્યાનમા લઈને મૃતક મહિલાના સાસુ-સસરાની ધરપકડ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે.
મૃતક મહિલાના પરિજનોએ સાસરીવાળા પર હત્યાનો આરોપ લગાવી દીધો છે. કહેવાય છે કે લગ્ન બાદથી જ સાસરીયાઓ વધુ દહેજની માગણી કરીને તેની સાથે મારપીટ કરતા હતા. રવિવારે વિવાહિતાએ ઉત્પીડનથી પરેશાન થઈને પોતાને રૂમમાં બંધ કરી દીધી અને પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો.
પરિણિતાના પરિજનોએ પતિ, સાસુ, અને દિયર પર હત્યાનો આરોપ લગાવ્યો છે. ઉપરોક્ત ઘટના સંબંધે પોલીસ સ્ટેશન છપારમાં પતિ, દિયર, સસરા, સાસુ વિરુદ્ધ અનેક કલમો હેઠળ કેસ દાખલ કરી સાસુ અને સસરાની ધરપકડ થઈ છે. પતિ સહિત અન્ય લોકો ફરાર થઈ ગયા છે. અન્યની ધરપકડ માટે ટીમો બનાવવામાં આવી છે.