ઉત્તરપ્રદેશમાંથી કોરોના સંક્રમિત ઘણા દર્દીઓ ગાયબ થઈ ગયા
લખનૌ: લખનૌથી કોરોના વિશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહી કોરોના સંક્રમિત ઘણા દર્દીઓ ગાયબ થઈ ગયા છે. સરકારી રેકોર્ડમાં ખોટા નામ, સરનામા અને મોબાઈલ નંબર્સ નોંધાયા અને ગાયબ થઈ ગયા. વિભાગમાં હંગામો થયા બાદ તેની યાદી પોલીસ સર્વેલન્સ ટીમને સોંપવામાં આવી હતી.
પોલીસે ભારે મુશ્કેલી સાથે ૧,૧૭૧ કોરોના પોઝિટિવ દર્દીઓને શોધી કાઠ્યા છે. વળી, ૧,૧૧૯ દર્દીઓ હજુ પણ ગુમ છે. શોધખોળ ચાલી રહી છે. તારીખ ૨૩ થી ૩૧ જુલાઇની વચ્ચે આ દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. તપાસ બાદ બધા ગાયબ થઈ ગયા હતા. જ્યારે વહીવટીતંત્રએ તેમના નામો અને સરનામાઓની તપાસ કરી તો તે બનાવટી હોવાનું જાણવા મળ્યું હતુ. જે બાદ તેમની યાદી પોલીસને સોંપવામાં આવી હતી. હવે સર્વેલન્સ ટીમ આ દર્દીઓની શોધ કરી રહી છે.
જે દર્દીઓ મળી આવ્યા છે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ કમિશનરે આ દર્દીઓની શોધખોળ માટે કોવિડ-૧૯ સર્વેલન્સ ટીમને જવાબદારી સોંપી છે. વળી વહીવટીતંત્રએ સ્પષ્ટ કર્યું છે કે, જે દર્દીએ ખોટી માહિતી આપી છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ કમિશનર સુજિત પાંડેનાં જણાવ્યા અનુસાર, કોરોના ચેપની સાંકળ તોડવા માટે હજારોની સંખ્યામાં તપાસ કરવામાં આવી હતી. તમામ સ્થળોએ કેમ્પ લગાવીને લોકોની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન લોકોએ ફોર્મ પર ખોટું નામ, સરનામુ અને મોબાઈલ નંબર ભર્યા હતા. રિપોર્ટ સામે આવ્યા બાદ, જ્યારે તપાસ શરૂ થઈ ત્યારે નામ અને સરનામા ખોટા હોવાનું માલુમ પડ્યું હતું.