ઉત્તરપ્રદેશમાં પોલીસ સ્ટેશનથી માંડ થોડી દૂર ઓનરકિલિંગની ઘટના
લખનૌ: ઉત્તરપ્રદેશમાં બદાયુના દાતાગંજમાં પોલીસ સ્ટેશનથી થોડા અંતર દૂર એક યુવતીની તેના ભાઈઓએ છરી વડે ગળું કાપીને હત્યા કરી હતી. યુવતી હાઇકોર્ટમાં તેની સલામતીની વિનંતી કર્યા બાદ દાતાગંજ પોલીસ સ્ટેશન પહોંચી હતી. રસ્તામાં તેના ભાઈઓએ તેને ઘેરી લીધો હતો અને તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. મહિલાના પતિએ કોઈક રીતે ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો. પોલીસે હત્યાના આરોપસર યુવતીના બે ભાઈઓની ધરપકડ કરી છે.
બદાયુ જિલ્લાના દાતાગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક ગામની રહેવાસી, બે જાેડિયા ભાઈઓની પુત્રી, યુવતી ૨૨ જૂને બરેલી નિવાસીના સબંધી સાથે જતી રહી હતી. (જાેડિયા ભાઈઓએ એક જ સ્ત્રી સાથે લગ્ન કર્યા છે.) પરિવારના સભ્યોએ યુવતીને કિશોરી હોવાનો દાવો કરી અપહરણનો રિપોર્ટ દાખલ કર્યો હતો. આ સાથે તે ઘરમાંથી ૩ લાખ રૂપિયા લેવાના અહેવાલમાં પણ આક્ષેપ કરાયો હતો. દંપતીએ લગ્ન કર્યા પછી હાઇકોર્ટ પહોંચ્યા હતા અને પોતાને પુખ્ત વયે હોવાનું જણાવ્યું હતું અને તેમના રક્ષણ માટે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. કોર્ટે દાતાગંજ પોલીસને નવદંપતીઓની સલામતી સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો.
મધ્યરાત્રિએ નવદંપતી પોતાનું નિવેદન નોંધવા માટે દાતાગંજ પોલીસ સ્ટેશન આવી રહ્યા હતા. દરમિયાન, યુવતીના પરિવારજનોને આ અંગેની જાણ થતાં તેઓએ નવદંપતીઓને પોલીસ સ્ટેશનના થોડાક પગથિયે ઘેરી લીધા હતા. મોડીરાત્રે ૧૨.૩૦ વાગ્યે યુવતીના બંને ભાઇઓએ ગળા પર છરી વડેહુમલો કરીને તેને ચીરી નાખ્યો હતો. આ દરમિયાન તેના પતિએ કોઈક રીતે ભાગતા પોતાનો જીવ બચાવ્યો હતો અને પોલીસને જાણ કરી હતી. પોલીસે યુવતીના બંને ભાઈઓની ધરપકડ કરી હતી. હવે યુવતીના જાેડિયા પિતા ફરાર છે.