Western Times News

Gujarati News

ઉત્તરપ્રદેશમાં ૧૭ હજાર સ્થળોએ લાઉડ સ્પીકરનો અવાજ ધીમો પડ્યો

પ્રતિકાત્મક

(એજન્સી) લખનૌ, ઉત્તર પ્રદેશમાં યોગી સરકારની કડકાઈ બાદ ધાર્મિક સ્થળો પર લગાવવામાં આવેલા ૧૭ હજાર લાઉડસ્પીકરનો અવાજ ધીમો કરી દેવાયો છે.આ સાથે ૧૨૫ જગ્યાએથી તો ધ્વનિયંત્રોને પણ હટાવી દેવાયા છે. રાજ્યના એડીજી લૉ એન્ડ ઓર્ડરે આ અંગેની જાણકારી આપી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, રાજ્યમાં લાઉડસ્પીકર અંગે હાઈકોર્ટના નિર્દેશોનું પાલન કરવામાં આવી રહ્યું છે.

એડીજી લૉ એન્ડ ઓર્ડરે પ્રશાંત કુમારના જણાવ્યાં અનુસાર, રાજ્યમાં ૧૨૫ સ્થળોએ લાઉડસ્પીકર નીચે ઉતારી લેવાયા છે. ૧૭ હજાર સ્થળોએ લોકોએ જાતે જ પોતાનો અવાજ ધીમો કરી દીધો છે. રાજ્યમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવાઇ છે. આ સાથે રાજ્યમાં શાંતિ સમિતિની પણ બેઠકો થઈ રહી છે.

તેઓએ જણાવ્યું કે, રાજ્યભરમાં લગભગ ૩૭ હજાર ૩૪૪ ધર્મગુરુઓ સાથે વાતચીત કરવામાં આવી છે. ૩૧ હજાર સ્થળોએ અલવિદાની નમાજ અદા કરવામાં આવશે. એ સિવાય ૭૫૦૦ ઇદગાહ અને ૨૦ હજાર મસ્જિદોમાં નમાજ પઢવામાં આવશે. તેની સુરક્ષા માટે ૪૮ કંપની પીએસી, ૭ કંપની સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સ પણ તૈનાત કરવામાં આવી છે. સંવેદનશીલ જિલ્લાઓમાં વધારાની પોલીસ ફોર્સ પણ આપવામાં આવી છે. તમામ જિલ્લાઓમાં જિલ્લાની ફોર્સ અલવિદાની નમાજ સમયે સંપૂર્ણ રીતે તૈનાત રહેશે.

દેશમાં સાંપ્રદાયિક સૌહાર્દનું ઉદાહરણ બેસાડતા તાજેતરમાં જ શ્રીકૃષ્ણ જન્મભૂમિ પરથી પણ લાઉડસ્પીકર હટાવી દેવાયા હતાં. આ મંદિર પરિસરમાં આવેલા ભાગવત ભવનની ટોચ પર લાઉડસ્પીકર છે. જેમાં દરરોજ લગભગ દોઢેક કલાક સુધી આહ્વાન અને વિષ્ણુ સહસ્ત્રનામ વગાડવામાં આવતા. દિવસની શરૂઆત પણ તેનાથી જ થતી.

ત્યારે હવે તેને અટકાવી દેવામાં આવ્યું છે. માત્ર એટલું જ નહીં પરંતુ ગોરખનાથ મંદિર પરિસરના લાઉડસ્પીકરનો અવાજ પણ ઓછો કરવામાં આવ્યો છે. તદુપરાંત કાનપુર, લખનઉ, નોઈડા અને અન્ય શહેરોમાં પણ ધાર્મિક સ્થળો પર લગાવવામાં આવેલા લાઉડસ્પીકરોને કાં તો હટાવી દેવામાં આવ્યા છે અથવા તો તેનો અવાજ એટલો ઓછો કરી દેવાયો છે કે તે અવાજ પરિસરમાં જ રહે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.