Western Times News

Gujarati News

ઉત્તરપ્રદેશમાં 22 વર્ષીય શ્યામને માર્ગ અકસ્માતમાં ગરદનના મણકાના અતિગંભીર ફ્રેક્ચર થયુ :ઉત્તરપ્રદેશથી અમદાવાદ સિવિલ સારવાર અર્થે આવ્યા

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્પાઇન તબીબોએ શ્યામને સંપૂર્ણપણે પીડામૂક્ત કર્યો

કોરોનાકાળમાં સિવિલ હોસ્પિટલના સ્પાઇન સર્જરી વિભાગમાં 220 થી વધારે અતિજટીલ સ્પાઇન સર્જરી હાથ ધરાઇ

ઉત્તરપ્રદેશ અયોધ્યાના 22 વર્ષીય શ્યામને થોડા દિવસ અગાઉ એકાએક માર્ગ અકસ્માત સર્જાતા ગરદનના ભાગમાં ગંભીર ઇજા થઇ હતી. ઉત્તર પ્રદેશની સરકારી થી લઇ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે જતા ત્યાના તબીબોએ અતિગંભીર ઇજા જણાવી સારવાર અત્યંત ખર્ચાળ કહી. ઘણાય તબીબોએ તો સારવાર શક્ય ન હોવાનું પણ કહ્યુ.

શ્યામનાભાઇ ના ભાઇ મોહન કે જેઓ મૂળ ઉત્તરપ્રદેશના વતની છે અને હાલ અમદાવાદમાં રહે છે તેઓએ શ્યામને કહ્યુ કે તમે અમદાવાદ આવી જાવ અહીની સિવિલ હોસ્પિટલમાં તમારી તમામ તકલીફનું નિરાકરણ કોઇપણ જાતના ખર્ચ વગર સફળતાપૂર્વક થઇ જશે.

શ્યામ પોતાના સગા સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે આવી પહોંચ્યા. અહીંના ઓર્થોપેડિક વિભાગમાં તેમની શારિરીક તપાસ કરાવતા ગરદનના મણકાના ભાગમાં ગંભીર ઇજા થયેલ હોવાના જાણવા મળ્યુ. ઇજાની ગંભીરતા સમજવા માટે દર્દીના X-RAY, MRI તથા CT SCAN જેવા વિવિધ રીપોર્ટ કરાવવામાં આવ્યા. આ રીપોર્ટમાં જાણવા મળ્યુ કે 22 વર્ષીય શ્યામ ભાઇને મણકાના C1-C2 ભાગમાં મણકુ ખસી જવાથી ફ્રેક્ચર છે. ગરદનના પહેલા મણકામાં ભંગાણ થયેલ હોવાના કારણે નસ પર દબાણ ઉદભવ્યુ હતુ જેના કારણે સમયસર સારવાર ન મળે તો હલન-ચલન પણ બંધ થઇ શકે તેમ હતુ.

અતિગંભીર પ્રકારની સર્જરી જણાઇ આવતા અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્પાઇન વિભાગના વડા અને સિવિલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદી અને તેમની ટીમ દ્વારા સમગ્રતયા સર્જરી હાથ ધરવામાં આવી. એનેસ્થેસિયા વિભાગના સહયોગથી હાથ ધરાયેલ આ સર્જરી માં ન્યુરોમોનીટરીંગ પણ જરૂર જણાઇ આવતા તેમની મદદથી સમગ્ર સર્જરી  સફળતાપૂર્વક પાર પાડવામાં આવી. આ પ્રકારની સર્જરી નાના મગજની ખૂબ જ નજીક હોવાથી ધ્યાન રાખવામાં ન આવે તો નાના મગજને ઇજા પહોંચવાની સંભાવનાઓ પ્રબળ રહેલી હોય છે પરંતુ ડૉ. જે.વી. મોદી અને તેમની ટીમ દ્વારા સમગ્ર સર્જરી ધ્યાનપૂર્વક કરીને શ્યામને સંપૂર્ણપણે પીડામાંથી મુક્ત કરવામાં આવ્યો.

હાલ 22 વર્ષીય શ્યામ સંપૂર્ણપણે સ્વસ્થ અને પીડામુક્ત છે. સારી રીતે હલન-ચલન કરી શકે છે. જેના કારણોસર તેમના પરીવારજનોમાં હર્ષની લાગણી અનુભવી છે અને સમગ્ર પરિવારજનોએ અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્પાઇન તબીબો, સ્ટાફ મિત્રો અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ.જે.વી. મોદી કહે છે કે અમારી સિવિલ હોસ્પિટલમાં કોરોના કામગીરીની સાથે સાથે હોસ્પિટલના સ્પાઇન સર્જરી વિભાગમાં સામાન્ય થી લઇ અતિગંભીર પ્રકારની સર્જરી હાથ ધરવામાં આવી છે. કોરોના કાળમાં સિવિલ હોસ્પિટલના સ્પાઇન વિભાગમાં 220 થી વધારે સર્જરી કરવામાં આવી છે. જેમાં કાઇફોસીસ, પોસ્ટરીરઓર ફિક્સેશન, ડીફોર્મેટીવ કરેક્શન,  લેમીનેક્ટોમી જેવી વિવિધ સર્જરીઓનો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.