ઉત્તરાખંડઃ વિધાનસભા ચૂંટણી જીતવી હશે તો મહેનત કરવી પડશે
સભ્યોએ પોતાના મતક્ષેત્રમાં જઈને મહેનત કરવી પડશે, ટિકિટ ફાળવણીનો ર્નિણય સભ્યોએ કરેલ કામ પર ર્નિભર-ઉત્તરાખંડઃ એકલી મોદી લહેરથી કંઈ જ નહીં થાય, અધ્યક્ષ ભગત
દેહરાદૂન, ઉત્તરાખંડના ભાજપ અધ્યક્ષ બંશીધર ભગતે કહ્યું છેકે ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાની મદદથી પાર્ટી જીતી શકે તેમ નથી. જો એમએલએને વોટ જોઈતા હોય તો તેમણે મહેનત કરવી પડશે. બંશીધર ભગતે વધુમાં જણાવ્યું કે વિધાનસભા ચૂંટણીમાં મોદી લહેરથી કંઈ નહીં થાય. લોકો ધારાસભ્યએ કરેલા કામને આધારે મતો આપશે. પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે જો કોઈ ધારાસભ્ય માનતા હોય કે મોદીના સહારે તેમની હોડી પાર થઈ જશે તો તેઓ ખોટા છે. આ ફેક્ટર પર લોકોએ અગાઉ ઘણા મતો આપ્યા હતા.
ધારાસભ્યોએ ટિકિટ મેળવવા પોતાના વિસ્તારમાં ફરીને કામો કરવા પડશે. મીડિયાએ ભગતને એવો પ્રશ્ન કર્યો હતો કે આગામી વિધાનસભા ચૂંટણી માટે ધારાસભ્યો મોદીના નામ પર વોટ મેળવવા ર્નિભર છે. જેના જવાબમાં તેમણે જણાવ્યું કે ૨૦૨૨ની ઉત્તરાખંડ વિધાનસભાની ચૂંટણી જીતવી ભાજપનો મુખ્ય ઉદ્દેશ છે.
તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે, એમએલએએ પોતાના મતક્ષેત્રમાં જઈને મહેનત કરવી પડશે. ટિકિટ ફાળવણીનો ર્નિણય પણ ધારાસભ્યે કરેલા કામો અને મહેનત પર ર્નિભર રહેશે. ભગતના વિવાદાસ્પદ નિવેદન પર રાજકીય ઘમાસાણ મચ્યું હતું. કોંગ્રેસે કટાક્ષ કરતા કહ્યું કે ભાજપે સ્વીકારી લીધું છે કે ઉત્તરાખંડમાં મોદી લહેર સમાપ્ત થઈ ગઈ છે અને બંશીધર ભગતે સાચું નિવેદન કર્યું તે માટે તેમનો આભાર. SSS