ઉત્તરાખંડમાં ફરી વખત વાદળ ફાટતા ૧૨થી વધારે દુકાનોને નુકસાન થયું
દહેરાદુન: ઉત્તરાખંડમાં ફરી વખત વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. આ ઘટના ટીહરી જિલ્લાના દેવપ્રયાગની છે. અહીં સાંજે લગભગ ૫ વાગે વાદળ ફાટવાને લીધે અનેક દુકાનોને નુકસાન થયું હતું. ત્રણ માળની આઇટીઆઇની ઈમારત પણ ધરાશયી થઈ ગઈ હતી. વાદળ ફાટવાથી સાંતા નદીમાં પૂર આવ્યું છે. નદીની આજુબાજુની ૧૨-૧૩ દુકાન પાણીમાં વહી ગઈ છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે લોકડાઉનને લીધે દુકાનો બંધ હોવાથી જાનહાનિ થઈ નથી.
બીજી બાજુ ડીજીપી અશોક કુમારે કહ્યું છે કે ટિહરી સ્થિત દેવપ્રયાગ પોલીસ સ્ટેશનમાં વાદળ ફાટવાની ઘટના બની છે. જેમાં ૭-૮ દુકાનો અને આઇટીઆઇની ઈમારતોને ભારે નુકસાન થયું છે. જાેકે કોઈ જ જાનહાનિ થઈ નથી એસડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને મદદ પહોંચાડી રહી છે.
મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે કહ્યું- અલકનંદા અને ભગીરથી નદીના સંગમ સ્થળ દેવપ્રયાગમાં કુદરતી આપદાની માહિતી મળી છે. ઉંચા પહાડ પર વાદળ ફાટવાને લીધે દેવપ્રયાગમાં અનેક દુકાનો અને રહેઠાણોને નુકસાન થયું છે. સદનસિબે આ ઘટનામાં કોઈ જ જાનહાનિ થઈ નથી.
મુખ્યમંત્રીએ કહ્યું- જિલ્લા વહિવટીતંત્ર અને પોલીસ અધિકારીઓને ઘટના સ્થળ પર પહોંચવા અને અસરગ્રસ્ત લોકોની તાત્કાલિક ધોરણે મદદ કરવા આદેશ આપ્યા છે. આપદાથી થયેલા નુકસાન અંગે વિગતવાર માહિતી આપવા કહેવામાં આવ્યું છે.મે મહિનામાં વાદળ ફાટવાની આ ત્રીજી ઘટના છે. આ અગાઉ ૩ મેના રોજ ચમોલી અને ૭ મેના રોજ નવી ટિહરીમાં વાદળ ફાટવાની ઘટના બની હતી. ત્રણ મેના રોજ ચમોલી જિલ્લાના ઘાટ બ્લોકમાં બિનસર પહાડીની તલહટીમાં ત્રણ અલગ-અલગ જગ્યા પર વાદળ ફાટવાની ઘટના બની હતી, જેમાં ઘાટ બજારમાં તબાહી સર્જાઈ હતી.
આ ઘટનામાં ૩૦થી વધારે મકાનને નુકસાન પહોંચ્યું હતું. જ્યારે ૨૫ દુકાનનો પણ નાશ થયો હતો. ત્યારબાદ ૭ મેના રોજ નવી ટિહરીમાં જાખણીધાર બ્લોકના પિપોલામાં પણ વાદળ ફાટવાને લીધે અનેક ઘરો-દુકાનોને નુકસાન થયું હતું.