ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં નદીઓનું જળસ્તર વધી ગયું
ઋષિકેશ: ચોમાસાની શરૂઆત સાથે જ ઉત્તરાખંડનું વાતાવરણ આહ્લાદક થઈ ગયું છે અને સાથે જ લોકોની મુશ્કેલીઓમાં પણ વધારો થયો છે. પહાડો પર સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ગંગા સહિત અન્ય નદીઓનું જળસ્તર વધી ગયું છે જેથી પૂરનું જાેખમ સર્જાયું છે.
ઋષિકેશમાં ગંગા નદીનું જળસ્તર જાેખમના નિશાનને પાર કરી ગયું છે. જ્યારે શારદા બેરેજનું જળસ્તર હાલ તો જાેખમના નિશાનથી નીચે છે પરંતુ પાણી સતત વધી રહ્યું છે. જાે પાણી વધશે તો તેની અસર ઉત્તરાખંડ ઉપરાંત યુપીના ૧૦ જિલ્લાઓ પર પણ પડશે.
ઋષિકેશમાં ગંગાનું જળસ્તર વધી ગયું છે જેથી પૂરનું જાેખમ સર્જાયું છે. પૂરના જાેખમને ધ્યાનમાં રાખીને પોલીસ અને પ્રશાસન એલર્ટ મોડ પર છે. આ ઉપરાંત ગંગાના તટીય વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત જગ્યાએ શિફ્ટ થવા કહેવામાં આવ્યું છે.
ચંપાવત જિલ્લાના શારદા બેરેજ ખાતે પાણી જાેખમના નિશાન પાસે પહોંચવાની આશંકા છે. જાે પાણી જાેખમના નિશાનને પાર કરી દેશે તો ઉત્તરાખંડના ૨ અને ઉત્તર પ્રદેશના ૧૦ જિલ્લાઓ પર તેની અસર પડશે.
ઉત્તરાખંડમાં ૩ દિવસથી વરસાદ વરસી રહ્યો છે જેથી ચિંતા વધી છે. પૌડી, રૂદ્રપ્રયાગ, ચમોલી જિલ્લાની સ્થિતિ અત્યારથી જ ખરાબ થવા લાગી છે. વરસાદના કારણે રૂદ્રપ્રયાગમાં અલકનંદા અને મંદાકિનીનું જળસ્તર જાેખમના નિશાનને પાર કરી ગયું છે.
પ્રશાસને નદી કિનારે રહેતા લોકોની સુરક્ષા ધ્યાનમાં રાખીને એલર્ટ આપ્યું છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં લેન્ડ સ્લાઈડ પણ જાેવા મળ્યું છે. ઋષિકેશ બદ્રીનાથ રાષ્ટ્રીય રાજમાર્ગ લગભગ એકાદ ડઝન જગ્યાએ ભૂસ્ખલનના કારણે બંધ થઈ ગયો છે. બાગેશ્વર ખાતે ૨ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે જેથી જિલ્લાના ૨૧ રસ્તાઓનો જિલ્લા મુખ્યાલય સાથેનો સંપર્ક તૂટી ગયો છે.
૧૯ ગામોની વીજળી ગુલ થઈ ગઈ છે. નૌઘર સ્ટેટ પાસે લેન્ડસ્લાઈડ થતા ૨ ગાડીઓ રસ્તા નીચે ૧૦૦ ફૂટ નીચે વહી ગઈ હતી. બાદમાં તેને જેસીબી મશીનની મદદથી કાઢવામાં આવી હતી.અનેક જગ્યાએ પાણી ભરાઇ ગયા હતાં.