ઉત્તરાખંડમાં વાદળ ફાટતા ત્રણ લોકોનાં મોત નિપજ્યા
નવી દિલ્લી: ભારે વરસાદ બાદ દિલ્હી અને મુંબઈના હાલ બેહાલ થઈ ગયા છે. ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. મૂશળધાર વરસાદના કારણે મુંબઈમાં રેલવે સેવા પણ પ્રભાવિત થઈ છે. જ્યારે ઉત્તરાખંડમાં વરસાદ કહેર બનીને તૂટી પડ્યો છે. જ્યારે ઉત્તરકાશી જિલ્લામાં વાદળ ફાટવાથી ૩ લોકોના મોત થયા છે તથા રાહત અને બચાવકાર્ય એસડીઆરએફની ટીમ પણ લાગી છે. એસડીઆરએફના ઈન્સ્પેક્ટર જગદંબા પ્રસાદે જણાવ્યું કે ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના માંડો ગામમાં ગઈ કાલે મોડી રાતે વાદળ ફાટવાની ઘટનામાં અત્યાર સુધીમાં ૩ લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે ચાર લોકો લાપત્તા છે.
મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ બચાવ અને રાહ્ત કાર્યમાં તેજી લાવવાના આદેશ આપ્યા છે. ભારતીય હવામાન ખાતાએ સોમવારે પશ્ચિમી ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. આ દરમિયાન રામપુર અને બરેલીમાં ખુબ વરસાદ પડી શકે છે. જ્યારે શ્રાવસ્તી, બલરામપુર, સિદ્ધાર્થનગર, ગૌંડા, હરદોઈ, સીતાપુર, લખીમપુર, અને સંતકબીર નગરના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડવાની વકી છે. મુંબઈમાં રવિવારે હાલના ચોમાસા સીઝનનો બીજાે સૌથી વધુ વરસાદ નોંધાયો. શહેરમાં એક જૂન બાદથી ૧૮૧૧ મિમી વરસાદ નોંધાયો છે.
જે સપ્ટેમ્બરના અંત સુધીમાં મુંબઈમાં થનારા સામાન્ય વરસાદમો ૮૫ ટકા કરતા પણ વધુ છે. હવામાન ખાતાના આંકડા મુજબ મુંબઈમાં છેલ્લા ૩ દિવસમાં ૬૬૧.૫ મિમી વરસાદ થયો છે. જે સમગ્ર ચોમાસામાં થતા વરસાદનો ૩૦ ટકા છે. દિલ્હી એનસીઆરમાં આજે સવારે થયેલા ભારે વરસાદના કારણે ગરમીથી રાહત મળી છે. ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં રસ્તા પાણીમાં ડૂબી ગયા છે. અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામ થયો છે. આ કારણે જનજીવન ખોરવાયું છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ આજે દિલ્હીમાં વાદળ છવાયેલા રહેવાની સાથે હળવાથી મધ્યમ વરસાદની વકી છે.