ઉત્તરાખંડ: નદી કિનારે બની રહેલી દિવાલના કામને રોકવા નેપાળી લોકોએ કર્યો પથ્થરમારો

નવી દિલ્હી, ઉત્તરાખંડમાં ફરી એક વખત નેપાળના લોકોએ ભારતની સરહદમાં ચાલી રહેલા કામને રોકવા માટે પથ્થર મારો કર્યો હોવાની ઘટના બની છે. નેપાળી લોકોએ ધારચૂલા નામના બોર્ડર પર આવેલા વિસ્તારમાંથી વહેતી કાલી નદીના કિનારા પર ઉભી કરાઈ રહેલી દિવાલનો વિરોધ કર્યો હતો.તેમણે દિવાલ બનાવી રહેલા મજૂરો પર પથ્થરમારો કર્યો હતો.
ઉત્તરાખંડના સિંચાઈ વિભાગ તરફથી અહીંયા સુરક્ષા માટેની દિવાલ બનાવાઈ રહી છે.આ દિવાલ બની રહી હતી ત્યારે મજૂરો પર નેપાળ સરહદમાંથી પથ્થમારો કરાયો હતો.જોકે એ પછી પણ કામ રોકવામાં આવ્યુ નથી અને ઉત્તરાખંડ સરકારે નેપાળના અધિકારીઓ સમક્ષ વિરોધ પણ નોધાવ્યો છે.
નેપાળના લોકોનુ માનવુ છે કે, આ દિવાલના કારણે નદીનો પ્રવાહ બદલાશે અને ચોમાસામાં તેમની તરફ પૂરનો ખતરો રહેશે.
તંત્ર દ્વારા કહેવામાં આવ્યુ છે કે, દિવાલનુ કામ રોકવામાં આવ્યુ નથી અને સતત ચાલુ રહેશે.હવે મજૂરોની સુરક્ષા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે.સોમવારે થયેલી પથ્થમારાની ઘટનામાં કોઈ ઘાયલ થયુ નથી.
ઉલ્લેખનીય છે કે, કાલી નદીમાં 2013માં પણ પૂર આવ્યુ હતુ અને ઉત્તરાખંડ અને નેપાળ બંને તરફના લોકોને નુકસાન વેઠવુ પડ્યુ હતુ.એ પછી નેપાળે પોતાની તરફ સુરક્ષા દિવાલ બાંધી હતી.હવે ભારત જ્યારે દિવાલ બાંધી રહ્યુ છે ત્યારે નેપાળના લોકો તેનો વિરોદ કરી રહ્યા છે.