ઉત્તરાખંડ ભાજપ સરકારના કેબિનેટ મંત્રી પુત્ર સાથે કોંગ્રેસમાં જોડાયા!

દેહરાદૂન, આગામી વર્ષે ઉત્તરાખંડમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીને મોટો આંચકો લાગ્યો છે. કેબિનેટ મંત્રી યશપાલ આર્ય તેમના પુત્ર સંજીવ આર્ય સહિતના કેટલાક નેતાઓ ભાજપ છોડીને કોંગ્રેસમાં જાેડાયા છે. અગાઉ યશપાલ આર્ય અને સંજીવ આર્ય સિવાય રાયપુરના ધારાસભ્ય ઉમેશ શર્માના કોંગ્રેસમાં જાેડાવાની અટકળો ચાલી રહી હતી.
યશપાલ આર્ય બાજપુરથી ધારાસભ્ય છે અને તેમનો પુત્ર સંજીવ આર્ય નૈનીતાલ બેઠક પરથી ધારાસભ્ય છે. યશપાલ આર્ય હાલ ઉત્તરાખંડ સરકારમાં પરિવહન, સમાજ કલ્યાણ, લઘુમતી કલ્યાણ, વિદ્યાર્થી કલ્યાણ, ચૂંટણી અને આબકારી વિભાગના મંત્રી છે. તમને જણાવી દઈએ કે યશપાલ આર્ય છેલ્લા કેટલાક સમયથી સતત પાર્ટીથી નારાજ થઈ રહ્યા હોવાના અહેવાલો હતા. તેમણે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે પણ બેઠક કરી હતી.
યશપાલ અને સંજીવ આર્ય કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલા, સંગઠન મહામંત્રી કેસી વેણુગોપાલ અને દિલ્હીમાં પ્રદેશ પ્રભારી દેવેન્દ્ર યાદવની હાજરીમાં કોંગ્રેસમાં પરત ફર્યા છે. આ દરમિયાન વિપક્ષના નેતા પ્રીતમ સિંહ, પ્રદેશ પ્રમુખ ગણેશ ગોદિયાલ અને પૂર્વ સીએમ હરીશ રાવત પણ હાજર રહ્યા હતા.યશપાલ અને તેમના પુત્ર સંજીવ બંને વર્ષ ૨૦૧૭ માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જાેડાયા હતા. ભાજપની સરકારની રચના બાદ કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતા. હવે તે ફરી કોંગ્રેસમાં પરત ફરી રહ્યા છે.HS