ઉત્તરાખંડ હોનારત માટે 1965નું ભારત-અમેરિકા ગુપ્ત મિશન જવાબદાર હોવાની આશંકા
નવી દિલ્હી, ઉત્તરાખંડના ચમોલીમાં આવેલા જળપ્રલયે અનેક લોકોનો જીવ લીધો હતો અને 100થી વધારે લોકો હજુ પણ લાપતા છે. તપોવન ખાતેની સુરંગમાં આશરે 170 લોકો ફસાયેલા હોવાની આશંકા છે અને હજુ સુધી આ હોનારતનું ચોક્કસ કારણ સામે નથી આવ્યું. વૈજ્ઞાનિકોની એક ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને કારણ શોધવા માટે પ્રયત્ન કરી રહી છે ત્યારે સ્થાનિકોને આ દુર્ઘટના માટે 1965નું અભિયાન જવાબદાર હોવાની આશંકા છે જેમાં અમેરિકાના પ્લૂટોનિયમ ડિવાઈસ પર્વતની ચોટીઓમાં જ દફન થઈ ગયા હતા.
નંદાદેવી પાસે લગાવવામાં આવેલા આ ડિવાઈસને લઈ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેઓ તે સમયે ભારતના વિદેશ મંત્રી હતા અને તેમણે આ પ્રકારના ડિવાઈસથી કોઈ જોખમ નથી તે થિયરીમાં પોતાને વિશ્વાસ ન હોવાનું જણાવ્યું હતું. ઘટનાની વિગતો પ્રમાણે ચીનના પરમાણુ અભિયાન પર નજર રાખવા માટે નંદાદેવીમાં બે પ્લૂટોનિયમ ડિવાઈસ લગાવવામાં આવ્યા હતા. જો કે, પ્લાન્ટિંગના થોડા દિવસો બાદ બંને ડિવાઈસ હિમસ્ખલનમાં ખોવાઈ ગયા હતા. તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરૂ, લાલબહાદુર શાસ્ત્રી અને ઈંદિરા ગાંધીની સહમતિ બાદ તે ડિવાઈસ લગાવવામાં આવ્યા હતા.
અમેરિકી ગુપ્તચર એજન્સીએ ચીનની ગતિવિધિઓ પર નજર રાખવા માટે નંદાદેવી પર્વતમાં આ ડિવાઈસ લગાવવાની યોજના બનાવી હતી. પરંતુ બરફના તોફાનમાં ફસાયા બાદ પર્વતારોહકોને અભિયાન અધવચ્ચે અટકાવવાની ફરજ પડી હતી અને ઉપકરણને પહાડ પર છોડીને તેઓ જીવ બચાવવા પરત આવી ગયા હતા. બીજા વર્ષે ટીમ ફરીથી પહાડ પર ગઈ હતી પરંતુ ઉપકરણને ટ્રેસ નહોતી કરી શકી જેમાં પરમાણુ ઈંધણ લઈ જવા માટેના વિશેષ કન્ટેનરમાં સાત પ્લૂટોનિયમ કેપ્સ્યુલ પણ સમાવિષ્ટ હતી.