લો બોલો, રાજકોટમાં એક ગ્રૂપ દ્વારા પીપીઈ કિટ પહેરીને પતંગ ચગાવવામાં આવ્યા
(તમામ તસવીરો- જયેશ મોદી) અમદાવાદ: કોરોના વાયરસના કહેર વચ્ચે ગુજરાતીઓએ ખાસ કરીને રાજ્યના ચાર મોટા શહેરોમાં ઉત્તરાયણના દિવસે લોકોએ પતંગ ચગાવવાનો આનંદ લીધો હતો. જાેકે, આ વખતે કોરોનાના કારણે કેટલાક નિયમો હોવા છતાં રાજ્યની જનતાએ પતંગ ચગાવવાનો આનંદ માણ્યો હતો.
હજી ૧૫ તારીખે એટલે કે શુક્રવારે વાસી ઉત્તરાયણના દિવસે પણ લોકો પતંગ ચગાવવાની મજા માણશે. આ વખતે ઉત્તરાયણના આખા દિવસ દરમિયાન પવન ઘણો સારો રહ્યો હતો પરંતુ અમદાવાદીઓને મ્યૂઝિકની ખોટ સાલી હતી.
લોકો ઘરના અને ફ્લેટના ધાબા પર ડીજે કે પછી સાઉન્ડ સિસ્ટમ ગોઠવીને સંગીત સાથે પતંગ ચગાવતા હોય છે પરંતુ કોરોના ગાઈડલાઈન્સના કારણે આ વખતે મ્યૂઝિક વગાડવા પર પ્રતિબંધ છે. જેના કારણે અમદાવાદના ધાબા પર આ વાતની ખોટ સાલી હતી.
મોટા ભાગની સોસાયટીઓએ સરકારની ગાઈડલાઈન્સનું પાલન કર્યું હતું. દિવસ દરમિયાન પવન સારો એવો રહ્યો હતો જેના કારણે લોકોને મજા પડી ગઈ હતી. ગાઈડલાઈન્સમાં રસ્તાઓ પર કે પછી ખુલ્લા મેદાનોમાં પતંગ ચગાવવા તથા ધાબા પર પરિવારના સભ્યો સિવાય કોઈને પણ હાજર રહેવાની મંજૂરી આપી ન હતી.
આ નિયમોનું પાલન થાય તે માટે પોલીસ પણ સજ્જ હતી. નિયમોનું ઉલ્લંઘન ન થાય તે માટે પોલીસ દ્વારા ડ્રોનથી નજર રાખવામાં આવી હતી. સામાન્ય રીતે અમદાવાદની ઓળખ ગણાતી પોળોમાં વિદેશીઓ પણ ઉત્તરાયણમાં પતંગબાજીનો આનંદ માણવા આવતા હોય છે પરંતુ આ વખતે પોળોમાં પણ ઉત્તરાયણ થોડી ફિક્કી જાેવા મળી હતી. રાજકોટમાં એક ગ્રૂપ દ્વારા પીપીઈ કિટ પહેરીને પતંગ ચગાવવામાં આવ્યા હતા.