ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલ્ટોઃ ખેડૂતો મુશ્કેલીમાં
(પ્રતિનિધિ) અમદાવાદ: ગુજરાતમાં દિવાળી બાદ પણ વરસાદ પડતાં કૃષિને વ્યાપક નુકસાન થયું છે જેના પરિણામે ખેડૂતો ચિંતિત બન્યા છે આ દરમિયાનમાં શિયાળાની શરૂઆત થઈ રહી છે ત્યારે રાજયના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને અરવલ્લી સહિતના જિલ્લાઓમાં છુટોછવાયો વરસાદ પડતાં ખેડૂતો વધુ મુશ્કેલીમાં મુકાયા છે.
ગુજરાતમાં આ વખતે ભારેથી અતિભારે વરસાદ પડતાં ઉભો પાક બળી ગયો છે આ ઉપરાંત ખેતરોમાં પણ પાણી ભરાયેલા રહેતા શિયાળુ પાક પણ થવાની શક્યતા ખૂબ જ નહીવત છે. ખેડૂતો વાવણી પણ કરી શક્યા ન હતાં ગુજરાતમાં ચોમાસુ મોડે સુધી ચાલુ રહેતા પીવાના પાણીનો પ્રશ્ન હલ થયો છે.
પરંતુ કૃષિને થયેલા વ્યાપક નુકસાનથી આગામી દિવસોમાં મોંઘવારી ખૂબ જ વધશે તેવી દહેશત સેવાઈ રહી છે. ગુજરાતમાં ચોમાસુ વિદાય લઈ લેતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો અને છેલ્લા ચાર દિવસથી વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે. આ દરમિયાનમાં ફરી એક વખત ઉત્તર ગુજરાતના કેટલાક જીલ્લાઓમાં આજ સવારથી જ વાતાવરણમાં પલ્ટો આવી ગયો છે આકાશ વાદળછાયુ બની જતાં ખેડૂતો ફરી એક વખત ચિંતિત બન્યા છે.
અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં વાતાવરણમાં આવેલા પલ્ટાને કારણે કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ પડવાનો પણ શરૂ થયો છે. માવઠાના કારણે કૃષિને ફરી એક વખત નુકશાન થવાની દહેશત સેવાઈ રહી છે આમ ગુજરાતના ખેડૂતો પર એક પછી એક મુશ્કેલીઓ આવી રહી છે. ગુજરાત ઉપરાંત ઉત્તર ભારતના પણ અનેક રાજયોમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે જમ્મુ-કાશ્મીર તથા હિમાચલ પ્રદેશમાં બરફવર્ષા શરૂ થતાં દિલ્હી સહિતના રાજયોમાં આજે સવારથી જ માવઠુ થતાં ઠંડીમાં પણ વધારો થયો છે.