ઉત્તર ગુજરાતમાં આફત: ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબકતા ખેતીને વ્યાપક નુકશાન,વીજળી ડૂલ
આજથી કેરળમાં ચોમાસાનું આગમન થયું છે જેના કારણે પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થતા ગુજરાતમાં પણ તેની શરૂઆત થઈ ચૂકી છે. ઉત્તર ગુજરાત સહીત અરવલ્લી,સાબરકાંઠા જીલ્લામાં બુધવારે સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું ત્યારબાદ ગુરુવારે વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો આવવાની સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબકતા રોકડિયા પાકોને મોટું નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે.
ઉનાળુ પાકને નુકસાનીની ભીતીને લઈને ખેડૂતો પણ ચિંતિત થયા છે.ભારે પવનના પગલે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાઈ થવાની ઘટના પણ બની હતી હજુ ખેડૂતો તૌકતે વાવાઝોડાની તબાહી માંથી બહાર આવ્યા નથી ત્યાં વધુ એક વખત ભારે પવન સાથે વરસાદ ખાબકતા ખેડૂતો માટે વધુ એકવાર કુદરત રૂઠી હોય તેમ ભારે નુકશાની સહન કરવાનો વારો આવ્યો છેઅરવલ્લી જિલ્લાના મોડાસા, મેઘરજ, બાયડ, ધનસુરા, માલપુર, ભિલોડમાં વહેલી સવારે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો.
જેને લઇ વાતાવરણમાં અતિશય બફારા વચ્ચે આશિક રાહત અનુભવાઈ હતી. બીજીબાજુ ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. ખેડૂતોના ઉભા પાકને નુકશાન થવા પામ્યું હતું. ભારે પવનને કારણે બાજરી અને જારના પાકનો સોથ વળી જવા પામ્યો છે. જારનો અને બાજરીનો કાપણી કરેલ પાક ભીનો થઈ જવા પામ્યો હતો.મગફળીનો પાક પણ પલળી જતા કોહવાઈ જવાની ભીતી પેદા થતા ખેડૂતો ચિંતીત બન્યા છે પશુપાલકોએ સંગ્રહ કરેલ ઘાસચારો પણ પલળી જતા પશુપાલકોમાં ભારે નિરાશા જોવા મળી હતી
દિલીપ પુરોહિત. બાયડ