Western Times News

Gujarati News

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ: અંબાજી નજીક ભુસ્ખલન

પાટણ, મહેસાણા સહિતના જિલ્લાઓમાં ઠેરઠેર પાણી ભરાયા : અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ પડી રહયો છે હવામાન વિભાગે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ૩૬ કલાકની અંદર ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરતા તંત્ર એલર્ટ થઈ ગયું છે. અંબાજીથી દાંતા જતા રસ્તા પર ભુસ્ખલન થવાને કારણે રસ્તાઓ બ્લોક થયા છે. જો કે હજુ સુધી સંપૂર્ણ રસ્તા બંધ કરાયા હોય તેવી કોઈ માહિતી મળી નથી.

* દાંતા થી સતલાસણા જાહેર માર્ગ ઉપર આંબાઘાટા વિસ્તાર માં પણ જાહેર માર્ગ પર ભેખડો ધસી આવી, ભેમાળ ના ગામો મા ખેતરો મા પાણી ભરાયા, દાંતા તાલુકામાં પડ્યો છે 4 ઇંચ વરસાદ, હાલ પણ વરસાદ ચાલુ છે*

દેશના હવામાન વિભાગે ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતના રાજયોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી હતી અને તે મુજબ મધ્ય પ્રદેશ, રાજસ્થાનમાં ભારે વરસાદ પડી રહયો છે જયારે ગુજરાતમાં પણ સતત વરસાદ પડી રહયો છે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના પગલે ગુજરાતની તમામ મોટી નદીઓમાં પાણીની સપાટી સતત વધી રહી છે

નર્મદા ડેમની સપાટી ૧૩ર મીટરને પાર થઈ ગઈ છે જયારે અન્ય મોટા બંધો પણ છલકાવાની તૈયારીમાં છે હજુ પણ વરસાદ ચાલુ હોવાથી સરકારી તંત્ર સજાગ બની ગયું છે બીજીબાજુ રાજયમાં મોટાભાગના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડી રહયો છે. કેટલાક સ્થળોએ ભારે વરસાદ પણ પડતાં તંત્ર સતત ખડેપગે સેવા બજાવી રહયું છે.

લો પ્રેશર સીસ્ટમના કારણે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પડી રહેલા ભારે વરસાદ દરમિયાન ગુજરાત રાજયના ઉત્તર અને મધ્ય ભાગમાં આગામી ર૪ કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસથી ધીમી ધારે વરસાદ પડી રહયો છે જેના પરિણામે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. બીજીબાજુ ઉત્તર ગુજરાતના જ પાટણ જિલ્લામાં ગઈકાલ બપોર બાદ ભારે વરસાદ પડવાનો શરૂ થયો છે


જેના પરિણામે પાટણ શહેર ઉપરાંત આસપાસના ગામોમાં પાણી ભરાઈ ગયા છે અને કેટલાક સ્થળો પર જનજીવન પણ ઠપ થઈ ગયું છે મહેસાણા જિલ્લામાં પણ સતત વરસાદ પડી રહયો છે અને આ પરિસ્થિતતિમાં કેટલાક સ્થળો પર પાણી ભરાતા સ્થાનિક નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરાઈ હતી.

મહેસાણા ઉપરાંત જિલ્લાના અન્ય ગામોમાં પણ વરસાદ પડી રહયો છે. બનાસકાંઠા જિલ્લામાં પણ સતત વરસાદ પડતાં રાત્રિ દરમિયાન કેટલાક સ્થળો પર પાણી ભરાયા હતાં ઉત્તર ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદના પગલે ડીઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા પરિસ્થिતિ પર નજર રાખવામાં આવી રહી છે બીજીબાજુ હવામાન વિભાગની આગાહીના પગલે સમગ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સલામતીના પગલા ભરવામાં આવી રહયા છે.

ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના પગલે ગુજરાતની તમામ મોટી નદીઓમાં પુર આવ્યા છે જેના પરિણામે કિનારાના ગામોઓને એલર્ટ કરી દેવાયા છે આ ઉપરાંત હજુ પણ પાણીની સપાટી વધવાની દહેશતથી એનડીઆરએફની ટીમો સતર્ક બનેલી છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત માટે આગામી ર૪ કલાક નિર્ણાયક સાબિત થવાના છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.