ઉત્તર-પશ્ચિમ ઝોનમાં દશેરા પહેલાં રોડને ‘ચકાચક’ કરાશે
બોપલનો ટેલિફોન એક્સચેન્જ રોડ ચકાચક કરાશે, પરંતુ સાઉથ બોપલ અને સ્ટર્લિગ સીટી તેમજ તેની આસપાસના વિસ્તારોમાં તૂટી ગયેલા રોડનું હજુ શું થશે તે નક્કી નથી.
મ્યુનિ.તંત્ર દ્વારા રૂ.૩૧,૨૭ કરોડા ખર્ચે રોડ રિસરફેસિંગનાં કામ હાથ ધરાશેઃ ગોતા, ઘાટલોડિયા, ચાંદલોડિયા, થલતેજ અને બોડકદેવના કુલ ૨૦.૪૩ કિ.મી.લાંબા રોડનું આયોજન હાથ ધરાયું
અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા વરસાદ બંધ થવાથી રસ્તા પરના ખાડા પૂરવાનું કામ યુદ્ધસ્તરે હાથ ધરાયું છે. દશેરા સુધીમાં રસ્તા પરના ખાડા પુરાઈ જાય તે દિશામાં તંત્ર ગંભીર બન્યું છે. આની સાથે-સાથે રસ્તાને ડામર પાથરીને ચકાચક કરવાની કવાયત પણ હાથ ધરાઈ છે. ઉત્તર-પશ્ચિમ ઝોનમાં નવરાત્રિના સપરમાં દિવસોથી રોડને ચકાચક કરવાની કામગીરી ચાલુ કરાય તેવી શક્યતા છે. દશેરા પહેલાં રોડ રિસરફેસિંગના શ્રી ગણેશાય થાય તેમ લાગે છે.
શહેરના સાત ઝોન પૈકીના ઉત્તર-પશ્ચિમ ઝોનના ગોતા, ઘાટલોડિયા, ચાંદલોડિયા, થલતેજ, બોડકદેવ એમ કુલ પાંચ વોર્ડનો સમાવેશ થાય છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ, ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી અને વોટર સપ્લાય કમિટીના ચેરમેન જતીન પટેલ વગેરે મ્યુનિસિપલ કોર્પાેરેશનના ટોચના પદાધિકારીઓ આ ઝોનનું અમદાવાદમાં પ્રતિનિધિત્વ કરે છે.
મ્યુનિસિપલ તંત્ર દ્વારા રૂ.૩૧.૨૭ કરોડના ખર્ચે ઉત્તર-પશ્ચિમ ઝોનના રોડને રિસરફેસ કરવાનું આયોજન હાથ ધરાયું છે, જેમાં ગોતા વોર્ડના ચાણક્યપુરી વિસ્તારના આકાંક્ષા ફ્લેટથી આવાસ ફ્લેટ સુધીના રોડ, ગોતા ગામ એપ્રોચથી સિલ્વર ઓક કોલેજ જંક્શન સુધીનો રોડ, યુનિક સિટી હોમ્સથી ચેહર માતા મંદિર જંક્શન સુધીનો રોડ,
ગોતાબ્રિજથી ઓગણજ ગામ તરફ જતા રોડ પર આવેલી એલિસ રેસિડેન્સીથી શ્રીજી બંગલોઝને સાંકળતો રોડ, ઓગણજ ગામ, વસંતનગર, મહાત્મા ગાંધી વિસ્તારના જુદા જુદા રોડ, ઘાટલોડિયા વોર્ડના ઓમ સરસ્વતી ફ્લેટથી મધુવૃંદ સોસાયટી સુધીના રોડને રિસરફેસ કરાશે.
ચાંડલોડિયા વોર્ડના તુલસી બંગલોઝથી સુકન લોટસ સુધીનો રોડ, વંદે માતરમ ઈડબ્લુયએસ ક્વાર્ટસથી આઈસીબી આઈલેન્ડ રોડ, કુમકુમ પાર્ટી પ્લોટથી રાજીવનગર રોડ, જગતપુરથી વિષ્ણુધારા સુધીના રોડને પણ તંત્ર રિસરફેસ કરશે.
થલતેજ વોર્ડમાં એસજી હાઈવે સર્વિસ રોડથી રિદ્ધિ-સિદ્ધિ સોસાયટી, સંત કબીર સ્કૂલથી સુદર્શન ટાવર સુધીનો રોડ, એસ.પી.રીંગરોડથી નીલકંઠ ઓર્ચિડ સુધીનો રોડ,
સન સીમપોલોથી હરિઓમ રેસિડેન્સી સુધીનો રોડ, શ્રીજી ડેકોરેટર્સથી કલ્હાર બંગલોઝ સુધીનો રોડ અને બોડકદેવ વોર્ડમાં વસત્રાપુર તળાવથી અરવિંદો સોસાયટી થઇ સંદેશ પ્રેસ રોડને જાેડતો રોડ, બોપલનો ટેલિફોન એક્સચેન્જ રોડ, ભરવાડવાસથી ભાગ્યોદય બેન્ક સુધીનો રોડ પણ ચકાચક કરાશે. ગોતા, ઘાટલોડિયા, ચાંદલોડિયા, થલતેજ અને બોડકદેવના કુલ ૨૦.૪૩ કિ.મી.લાંબા રોડના રિસરફેસિંગનું આયોજન તંત્રે હાથ ધર્યું છે.
આ આયોજન મુજબ ઘાટલોડિયામાં સૌથી ઓછા એક રોડનું ૪૦૦ મીટરનું રિસરફેસિંગ અને થલતેજમાં સૌથી વધુ ૧૧ રોડનું રિસરફેસિંગ કરાશે. ચાંદલોડિયા વોર્ડમાં કુલ સાત રોડ છે અને બોડકદેવમાં કુલ પાંચ રોડ છે. ચાંદલોડિયા વોર્ડમાં ૨.૭૭ કિ.મી.લંબાઈના રોડ અને બોડકદેવમાં ૨.૭૫ કિ.મી.લંબાઈના રોડ રિસરફેસ થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મ્યુનિ.તંત્ર દ્વારા શહેરના રસ્તાના રિસરફેસિંગ પાછળ રૂ.૨૨૫ કરોડ મ્યુનિ.તિજાેરીમાંથી ખર્ચાશે. ચાલુ નાણાંકીય વર્ષના આ રોડનાં કામો તા.૩૧ માર્ચ પહેલાં આટોપી લેવાશે.