ઉત્તર પ્રદેશમાં ટૂંક સમયમાં ૨ ચાઈલ્ડ પોલિસી લાગુ થશે
લખનૌ: ઉત્તર પ્રદેશમાં ૨ મહિનાની અંદર ટુ ચાઈલ્ડ પોલિસી તૈયાર થઈ જશે. આ પોલિસી તૈયાર થયા બાદ ૨ થી વધુ બાળકો પેદા કરનારને સબસિડી, રાશન વિતરણ, નોકરી અને અન્ય સરકારી યોજનાઓમાં અગાઉની જેમ લાભ મળશે નહીં. ઉત્તર પ્રદેશ સ્ટેટ લૉ કમીશનના ચેરમેન એએન મિત્તલે કહ્યું કે, ‘વસ્તી નિયંત્રણ કરવાના હેતુથી આ પોલિસી તૈયાર કરવામા આવી રહી છે.’
૨ ચાઈલ્ડ પોલિસી તૈયાર કરવા યુપી લૉ કમિશન રાજસ્થાન, મધ્ય પ્રદેશ, આસામની સાથે ચીન તથા કેનેડાના કાયદાઓનો પણ અભ્યાસ કરી રહ્યું છે. જાેકે મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા રાજ્યોમાં આવી પોલિસીઓ લાગુ કરવામા આવી ચૂકી છે, પરંતુ તેનાથી વસ્તી નિયંત્રણ બાબતે કોઈ લાભ થયો નથી.
જે રાજ્યોમાં ૨ થી વધુ બાળકોવાળા પરિવારને સરકારી યોજનાઓમાં લાભ નથી અપાતો તેવા રાજ્યોમાં વસ્તી સરેરાશ ૨૦ ટકાના દરે વધી છે, જ્યારે હાલ જે રાજ્યોમાં પોલિસી નથી તેવા યુપી, બંગાળ અને તામિલનાડુમાં પણ વસ્તી ૨૦ ટકાના દરે વધી છે. જે દર્શાવે છે કે- અત્યારસુધી ૨ ચાઈલ્ડ પોલિસી કોઈ રાજ્યમાં સફળ થઈ નથી.