ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદને પગલે નર્સે મહિલાની હોડીમાં જ ડિલેવરી કરાવી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/10/Lucknow-1024x576.jpg)
લખનૌ, ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લામાં ભારે વરસાદને પગલે એક ગર્ભવતી મહિલાને હોડી દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હતી, ત્યારે હોડીમાં જ તેણે દિકરીને જન્મ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિને કારણે પાણી ભરાઈ જવાના કારણે બહરાઈચ જિલ્લાના મોટાભાગના રસ્તાઓ બંધ થયા હતા. જેને કારણે આ ગર્ભવતી મહિલાને હોડી દ્વારા હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી. જાે કે હાલ, માતા અને બાળક બંને સ્વસ્થ છે.
જિલ્લા મેજિસ્ટ્રેટ દિનેશચંદ્ર સિંહે પ્રસૂતિ કરાવનાર આરોગ્ય કર્મચારી સત્યવતીને પ્રશસ્તિપત્ર અને રોકડ પુરસ્કારથી સન્માનિત કર્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટ સિંહે જણાવ્યું હતું કે, બહરાઈચમાં વધુ વરસાદને કારણે જિલ્લાની નદીઓના જળસ્તરમાં વધારો થયો છે. જેના કારણે જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
ઉલ્લેખનીય છે કે, ગુરુવારે જિલ્લા મેજિસ્ટ્રેટ પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે મુખ્યાલયથી ૧૦૦ કિમી દૂર સ્થિત નેપાળ સરહદ સુજૌલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પહોંચ્યા હતા. તે સમયે એક મહિલા આરોગ્ય કાર્યકર અને આ મહિલા નવજાત બાળકી સાથે હોસ્પિટલ પહોંચી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટના જણાવ્યા અનુસાર, નૌકાપુરવા ગામમાં પૂરને કારણે ગર્ભવતી મહિલાને સુલઝાડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં હોડી દ્વારા લાવવામાં આવી રહી હતી.
આ હોડીમાં આરોગ્ય કાર્યકર સત્યવતી પણ સવાર હતા. આ દરમિયાન, સગર્ભા સ્ત્રીને પ્રસવ પીડા થવાનું શરૂ થયું. સિંઘના જણાવ્યા અનુસાર, વિપરીત પરિસ્થિતિમાં એએનએમ સત્યવતીએ બેનર સાથે બોટ પર પડદા ગોઠવીને સુરક્ષા કોર્ડન બનાવ્યો હતો. આ આરોગ્ય કાર્યકર સત્યવતીએ મહિલાનો જીવ બચાવ્યો એટલું જ નહીં, પણ તેને હોડીમાં સુરક્ષિત ડિલિવરી પણ કરાવી.HS