ઉત્તર પ્રદેશમાં યુવક કોંગ્રેસ નિષ્ક્રિય -કોંગી નેતાગીરીના મામલે વધુ એક લેટર બોમ્બથી ગરમાવો
પાર્ટીમાં પરિવારનો મોહ છોડીને કામ કરવું જોઈએ તેવી ઉત્તરપ્રદેશના નવ તગેડી મુકાયેલા કોંગી નેતાઓની સલાહ
નવી દિલ્હી, કોંગ્રેસમાં ટોચની નેતાગીરી મામલે આંતરિક ઘમાસાણ બંધ થવાનું નામ લેતું નથી.પાર્ટીમાં વધુ એક લેટર બોમ્બ ફૂટ્યા બાદ રાજકીય ગરમાવો આવી ગયો છે. ગયા વર્ષે પાર્ટીમાંથી હાંકી કઢાયેલા ઉત્તરપ્રદેશના નવ પૂર્વ કોંગ્રેસી નેતાઓએ સોનિયા ગાંધીને એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે કહ્યુ છે કે, સોનિયા ગાંધીએ પાર્ટીને ઈતિહાસ બનતી અટકાવવી જોઈએ અને પરિવારના મોહને છોડીને પાર્ટી માટે કામ કરવું જોઈએ. આ નવ પૂર્વ કોંગ્રેસી નેતાઓએ યુપીમાં કોંગ્રેસના પ્રભારી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી પર આડકતરું નિશાન સાધ્યું છે.
હાંકી કઢાયેલા આ નેતાઓએ લખ્યું છે કે પાર્ટીમાં પરિવારના મોહથી ઉપર ઉઠીને લોકતાંત્રિક પરંપરાઓ સ્થાપવાની જરૂર છે.અમે તમને મળવા માટે એક વર્ષથી મુલાકાતનો સમય માંગી રહ્યા છે પણ દર વખતે અમને ના પાડી દેવામાં આવે છે.અમે પાર્ટીમાંથી હકાલપટ્ટીના ર્નિણય સામે પણ અપીલ કરી હતી.છતા પાર્ટીને તેના પર વિચાર કરવાનો સમય મળ્યો નહોતો.
પાર્ટી પર એવા નેતાઓનુ વર્ચસ્વ છે જે પગારના આધારે જાણે કામ કરી રહ્યા છે અને પાર્ટીના પ્રાથમિક સભ્ય પણ નથી.આ નેતાઓ પાર્ટીની વિચારધારા જાણતા પણ નથી.આમ છતા યુપીમાં તેમને પાર્ટીની જવાબદારી સોંપવામાં આવી છે.આવા નેતાઓ કોંગ્રેસની સાથે અડીખમ ઉભા રહેલા બીજા નેતાઓની કામગીરીનુ મુલ્યાંમકન કરે છે. વરિષ્ઠ નેતાઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને અપમાનિત કરાઈ રહ્યા છે.અમારી જ્યારે હકાલપટ્ટી થઈ ત્યારે અમને મીડિયા થકી જાણકારી મળી હતી. યુપીમાં યુવક કોંગ્રેસ નિષ્ક્રિય છે.નેતાઓ સાથે કોંગ્રેસ હાઈકમાન્ડે વાતચીત વધારવાની જરુર છે. SSS