ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી વિજય કશ્યપનું નિધન થયું
યુપીમાં કોરોનાનો કહેર ધીરે ધીરે ઓછો થતો જાેવા મળી રહ્યો છે, પ્રદેશમાં કોવિડના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ સરકારમાં રાજ્યમંત્રી વિજય કશ્યપનું મંગળવારે નિધન થયું. તેઓ કોરોના સંક્રમિત હતા. તેમની સારવાર ગુડગાંવની મેદાંતા હોસ્પિટલોમાં ચાલી રહી હતી જ્યાં તેમણે છેલ્લા શ્વાસ લીધા. અત્રે જણાવવાનું કે વિજય કશ્યપ મુઝફ્ફરનગરના ચરથાવલ વિધાનસભાથી વિધાયક હતા. વિજય કશ્યપ યુપી સરકારમાં પૂર અને નિયંત્રણ મંત્રી હતા.
તેઓ ૨૯ એપ્રિલના રોજ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. ત્યારબાદ સ્થિતિ ગંભીર થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અત્રે જણાવવાનું કે મંગળવારે જ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરથી ભાજપના સાંસદ અને કેન્દ્રીય મંત્રી સંજીવ બાલિયાનના ભાઈ જિતેન્દ્ર બાલિયાનનું પણ કોરોનાથી મોત થયું છે. તેઓ પંચાયત ચૂંટણીમાં ગામ કુટબીના પ્રધાન બન્યા હતા.
યુપીમાં કોરોનાનો કહેર ધીરે ધીરે ઓછો થતો જાેવા મળી રહ્યો છે. પ્રદેશમાં કોવિડના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આ સાથે રિકવર થઈ રહેલા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કુલ ૮,૭૨૭ નવા કેસ સામે આવ્યા. જ્યારે ૨૧,૧૦૮ સંક્રમિત ડિસ્ચાર્જ થયા છે. યુપીમાં કોરોનાથી રિકવરીનો દર હવે ૯૦.૬ ટકા થયો છે.