ઉત્તર ભારતમાં ગરમીનું પ્રકોપ યથાવતઃ બંગાળમાં ગરમીથી પાંચ વૃદ્ધોનાં મોત
નવીદિલ્હી, દેશના અનેક ભાગોમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે ત્યારે ઉત્તર ભારતને હજુ બે દિવસ સુધી હીટવેવથી કોઈ રાહત નહીં મળવાની શક્યતા છે. બીજીબાજુ પશ્ચિમ બંગાળના ૨૪ પરગણા વિસ્તારમાં ગરમી અને ભેજના કારણે એક ધાર્મિક મેળામાં એક યુગલ સહિત પાંચ વૃદ્ધોનાં મોત નીપજ્યાં હતા અને અન્ય કેટલાક બીમાર પડી ગયા હતા. જાેકે, મધ્ય અને પૂર્વ ભારતમાં ગરમીમાં ઘટાડો થયો છે.
વધુમાં ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં વરસાદ સાથે ચોમાસુ આગળ વધી રહ્યું છે તેમ હવામાન વિભાગે કહ્યું હતું.
પશ્ચિમ બંગાળમાં હુગલી નદીના પટમાં ઈસ્કોન મંદિરમાં ‘દોઈ-ચેરી મેલા’ દરમિયાન વધુ પડતા શ્રદ્ધાળુઓ એકત્ર થઈ જવાથી ગરમી અને ભેજનું વાતાવરણ સર્જાતા પાંચ વૃદ્ધોનાં મોત નીપજ્યાં હતા અને કેટલાક બીમાર પડી ગયા હતા.
નજીકની સ્કૂલમાં શરૂ કરાયેલા કામચલાઉ મેડિકલ કેમ્પમાં દર્દીઓને તપાસી રહેલા એક ડોક્ટરે કહ્યું કે ગરમી અને ડીહાઈડ્રેશનના કારણે મોત થયા છે. મુખ્યમંત્રી મમતા બેનરજીએ આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ગરમ અને સૂકા પશ્ચિમી પવનના કારણે ઉત્તર-પૂર્વ અને મધ્ય ભારતમાં હીટવેવની સ્થિતિ પ્રવર્તે છે. ઉત્તર ભારતને હજુ બે દિવસ સુધી તીવ્ર ગરમીથી રાહત મળવાની શક્યતા નથી. જાેકે, આગામી બે દિવસમાં પશ્ચિમ અને ઉત્તર-પૂર્વીય ભારતમાં વરસાદ પડવાની શક્યતા છે.
હવામાન વિભાગ મુજબ ઉત્તરીય અરબી સમુદ્રના કેટલાક ભાગોમાં ચોમાસુના આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિ છે. આ સિવાય આગામી ૨૪ કલાકમાં ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, બંગાળની ખાડીના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
અગાઉ હવામાન વિભાગે આસામ અને મેઘાલય માટે આગામી દિવસ માટે મૂશળધાર વરસાદની આગાહી કરતાં રેડ એલર્ટ જાહેર કરી હતી. અરૂણાચલ પ્રદેશ માટે શનિવારે રેડ એલર્ટ અપાઈ હતી.
દરમિયાન રાજસ્થાન, પંજાબ, મધ્ય પ્રદેશ, હરિયાણા, દિલ્હી, ઝારખંડ અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં ૪૬.૨ ડિગ્રી સેલ્સિયસ સાથે હીટવેવની સ્થિતિ યથાવત્ રહી હતી. ઉત્તર ભારતના લગભગ ૨૨ શહેરોમાં મહત્તમ તાપમાન ૪૪ ડિગ્રી સે.થી ઉપર રહ્યું હતું.
દિલ્હીમાં મહત્તમ તાપમાન ૪૩.૫ ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગે કહ્યું કે, દિલ્હી-એનસીઆર અને ઉત્તર ભારતના અન્ય ભાગોને ૧૬મી જૂન પછી ગરમીથી રાહત મળવાની શક્યતા છે. જાેકે, મધ્ય અને પૂર્વીય ભારતમાં હીટવેવમાં ઘટાડો નોંધાયો છે.HS1MS