ઉત્તર ભારત: આકાશમાંથી અગનગોળા વરસ્યા, યુપીમાં રેડ એલર્ટ જાહેર
(એજન્સી)નવીદિલ્હી,ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યો આ દિવસોમાં આકરી ગરમીથી ત્રસ્ત છે. હીટવેવના પ્રકોપને કારણે દિવસની સાથે સાથે રાત્રીના સમયે પણ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પંજાબ, હરિયાણા, દિલ્હી, બિહાર અને ઉત્તર પ્રદેશમાં ૧૯ જૂન સુધી હીટ વેવની શક્યતા છે. હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ અને જમ્મુના કેટલાક ભાગોમાં ૧૮ જૂન સુધી હીટવેવ ચાલુ રહેવાની શક્યતા હતી.
આ સિવાય આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ અને પેટા હિમાલયન પશ્ચિમ બંગાળમાં ૧૮ જૂન સુધી ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. દેશના ઘણા ભાગોમાં ચોમાસાના આગમન બાદ વરસાદી માહોલ રહ્યો છે, પરંતુ કેટલાક રાજ્યોમાં હજુ પણ ચોમાસાની રાહ જોવી પડી શકે છે. બિહાર, ઝારખંડ અને ઓડિશાના ગંગાના મેદાનોમાં આગામી ચાર દિવસમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા ભારતીય હવામાન વિભાગે આગામી ૪-૫ દિવસમાં સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ અને મેઘાલયમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
ઓડિશાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને ઓડિશાના ગંગાના મેદાનોમાં આગામી ચાર દિવસમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.ભારતીય હવામાન વિભાગે ઉત્તર પ્રદેશમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે ગરમી અને હીટ વેવનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં આકરી ગરમીની સ્થિતિ યથાવત રહેશે. જોકે, ૧૯ જૂનથી તીવ્રતામાં ધીમે ધીમે ઘટાડો થશે. જ્યારે પ્રયાગરાજમાં મહત્તમ તાપમાન ૪૭.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ સિવાય લખનઉમાં પારો ૪૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો.