Western Times News

Gujarati News

ઉદય સિંહની આપવીતી સાંભળી સોનુ સુદ રડી પડ્યો

મુંબઈ: કોરોના મહામારીને કારણે લાખો લોકોના જીવન પ્રભાવિત થયા છે. દરરોજ લાખો લોકો તેની ચપેટમાં આવી રહ્યા છે. લોકોએ આર્થિક તંગીનો પણ ઘણો સામનો કરવો પડી રહ્યો છે. મુશ્કેલીના સમયમાં અનેક લોકો એવા છે જે જરુરતમંદ લોકોની મદદ માટે આગળ આવી રહ્યા છે અને પોતાની ક્ષમતા અનુસાર લોકોની મદદ કરી રહ્યા છે. બોલિવૂડ એક્ટર સોનુ સૂદ પણ અનેક લોકોની મદદ કરી રહ્યો છે. અત્યાર સુધી તેણે અનેક લોકોને હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા કરવામાં મદદ કરી છે. તાજેતરમાં તે ટીવી રિયાલિટી શૉ ડાન્સ દિવાને ૩માં મહેમાન તરીકે પહોંચ્યો હતો.

અહીં પણ તેણે એવી જાહેરાત કરી કે લોકો તેના ર્નિણયના વખાણ કરી રહ્યા છે. વાસ્તવમાં મધ્યમપ્રદેશના નીમચના રહેવાસી ઉદય સિંહે એવું પર્ફોમન્સ આપ્યું કે સોનુ સૂદ ખુશ થઈ ગયો અને જ્યારે તેને ઉદયના જીવનની સમસ્યાઓ વિષે જાણવા મળ્યું તો તે ભાવુક થઈ ગયો. ઉલ્લેખનીય છે કે ઉદય સિંહ નીમચના આદિવાસી સમાજથી આવે છે અને મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. લોકડાઉનને કારણે તેમના પરિવાર સહિત આખી વસ્તીનું કામ બંધ થઈ ગયું, જેના કારણે ખાવાના પણ ફાંફા પડી રહ્યા છે.

લોકો પોતાની જરૂરિયાતો પુરી નથી કરી શકતા. ઉદય સિંહની આ વાત સાંભળી ભાવુક થયેલા સોનુએ કહ્યું કે, ઉદય પોતાના ગામમાં જઈને કહી દેજે કે લૉકડાઉન ગમે તેટલું લાંબુ ચાલે, એક મહિનો અથવા છ મહિના, તમારા આખા ગામને મારા તરફથી રાશન પહોંચતુ રહેશે.

સોનુની આ વાત સાંભળીને ઉદય રડી પડ્યો અને આભાર પણ વ્યક્ત કર્યો. તમને જણાવી દઈએ કે અત્યંત ગરીબીમાં જીવન પસાર કરનારો ઉદય સિંહ તે સમયે લાઈમલાઈટમાં આવ્યો જ્યારે તેણે ટિકટૉક પર પોતાના ડાન્સ વીડિયો શેર કરવાની શરૂઆત કરી. ત્યારપછી તેમનો એક વીડિયો ખૂબ જ વાયરલ થયો અને તેને ડાન્સ દિવાનેની આ સીઝનમાં બોલાવવામાં આવ્યો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.