ઉદારતામાં રહેલી માનવતા
વિવિધ સદ્ ગુણોનો સમાવેશ માનવીને સદ્ ગૃહસ્થ બનાવે છે જેથી સમાજમાં તેમનો મોભો રહેતો હોય છે. સદ્ ગુણોનો રાજા ઉદારતા નામના ગુણની પણ ગણતરી ગણાય છે. પુર્વભવનાં કર્મોને આધીન માનવી સંસ્કારી કુળમાં જનમ ધારણ કરતો હોય છે.
જે પરિવારમાં મા-બાપ અથવા વડિલો બાળકોને બાળપણથી સંસ્કારનું સિંચન કરતા હોય છે તે બાળક મોટો થઈને સમાજમાં પોતાના કુળનું ઓજસ પ્રકાશે છે. માનવીનું જીવન ઘડતરમાંથી તથા કુટુંબજનોના સંસ્કારથી‘ઉદારતાનો’ જનમ થતો હોય છે.
પૈસે દ્વારા સત્ કાર્યો કરવાથી નવું પુણ્ય જમા થતું હોય છે. પરંતુ આજના આ કળિયુગમાં ઘણા લોકો પૈસા દ્વારા પોતાનો કે પોતાના પરિવારના સ્વાર્થને જ સાચવતો હોય છે. પરંતુ પોતાનો સ્વાર્થ બાદ કરતાં પૈસા દ્વારા પરાર્થ અને પરમાર્થને સાચવીને પ્રભુને જીતવાથી સદ્ ગૃહસ્થની છાપ સમાજમાં પાડે છે તથા તેને લોકો પૂજતા હોય છે.
માનવી મોટું મન રાખીને પોતાની યથાશક્તિ મુજબ છુટા હાથે પૈસાનો સદ્ પયોગ કરવો તે ખરી ઉદારતાનો દાખલો બની રહે છે.
અલબત્ ઉદારતા નામનો ગુણ કેવળ પૈસાનો સદ્ પયોગથી જ મેળવાતો નથી પરંતુ કોઈ માટે ઈર્ષ્યા છોડીને સંતોષ રાખવો કે બીજી વ્યક્તિનો વાંક હોવા છતાં તેને ક્ષમા આપવી તથા પોતાની જીદ્ છોડીને અન્ય જાેડે સહકાર આપવાથી પણ ઉદારતા નામનો ગુણ કેળવાય છે. લોકોને મદદરૂપ બની પુણ્ય મેળવતા તથા સદ્ કર્મ બાંધતા તે ઉદાર માનવી હર હમેંશ ખુશ રહેતો હોય છે.
પૈસો તો આજે છે અને કાલે ન પણ હોય તો આજે એ જ પૈસો કોઈને મદદ કરવાથી પુણ્યનું ભાથું કમાવવાનો લાભ શું કામ જતો કરવો જાેઈએ? અન્યની તકલીફમાં મદદકર્તા બનીને ઉભા રહી તેમને નચિંત બનાવવાથી ઉદારતાનાં દર્શન થતાં હોય છે. જીવનમાં માનવીએ કંઈક આપીને દુઆ મેળવવાની ઉદારતાનાં દાખલા સમાજમાં બની રહે છે. ઉદારતા દિલથી થવી જાેઈએ અને ઉદારતાનો દંભ કે દેખાડો કરવો ન જાેઈએ.
ઉદાર માનવી દાનશીલ, ત્યાગશીલ, ખુલ્લા મનનો, નિખાલસ, સરળ હોય છે. પોતે પોતાનો ફાયદો ન ઉઠાવી અને સાથે સાથે બીજાને પણ લાભ કરી આપે તે દાતા કહેવાય છે. જ્યારે ઉદાર માનવી પોતે પણ લાભ લેતા લેતા બીજાને પણ લાભ કરતો રહેતો હોય છે. દાતા ન બનાય તો ઉદાર તો બનવું જાેઈએ.
કોઈના કહેવાથી નહિ પરંતુ પોતાના મનથી કે દિલથી દાન કે ધર્માદા અથવા બીજાને મદદરૂપ બનીએ તેમાં જ ખરી ઉદારતાનાં દર્શન થતા હોય છે. ઉદાર વ્યક્તિમાં સમદ્રષ્ટિ હોય છે તથા ઉચ્ચ-નીચનો ભાવ હોતો નથી. ઉદારતા પાપો ધોવાનું કામ કરે છે જેથી પ્રભુનાં આર્શિવાદ તેને મળતા રહે છે.
કહે શ્રેણુ આજ
છોડ કંજૂસાઈ હવે તું, ને બની જા ઉદાર, છોડ સ્વાર્થ તુજ દિલમાંથી, ને ઉતારી દે પાપનો ભાર.
બની જાઈશ ઉદાર તું, હવે જિંગીમાં અગર, તો બની જાઈશ ચાહિતો, તું લોકોમાં લગાતાર.
વર્ષો પહેલાં અમદાવાદમાં રહેતા શેઠ શ્રી પુરષોતમભાઈ શાહ નામના વેપારી ઘણાં સાહસિક તથા બાહોશ હોવાથી તેમનો ધંધો પુરબહારમાં દેશ તથા વિદેશમાં ધમધોકાર ચાલતો હતો અને પૈસે ટકે ઘણાં સુખી હતાં.પરંતુ શેઠ શ્રી પોતે કંજૂસ હોવાથી તેમની પ્રતિષ્ઠામાં ઓટ જ રહેતી. કોઈ તેમને સમાજમાં ગણકારતું નહિ. વ્યવહારમાં પણ તેમની છાપ સારી ન હોવાથી ધંધા સિવાય સામાજિક વ્યવહાર રાખતાં નહિ.
અમુક વર્ષો બાદ વરસાદ ઓછો પડવાથી તેમના ધંધામાં ખોટ આવતાં તેમના હોશકોશ ઉડી ગયા અને બેચેન બનીને મૂક થઈ ગયા પણ તેમના જીવનમાં એક બનાવ બનતા આનંદ તથા હર્ષોલ્લાસ વ્યાપી ગયો અને થોડો સમય જતાં સમાજમાં પ્રતિષ્ઠામાં ચાર ચાંદ લાગી ગયા.
તેમના ધર્મપત્નિ શશીબેન શાહ જૈન હોવાથી દરરોજ વ્યાખ્યાન સાંભળવા ઉપાશ્રયમાં જતાં હતા. ત્યાં મહારાજ સાહેબે પોતાના વ્યાખ્યાનમાં સમજાવતા સમજાવતા એક દાખલો આપ્યો, જે શશીબેને પોતાના પતિ શ્રી પુરષોતમભાઈને વાત કરતાં શેઠ પણ વિચારમાં પડી ગયા અને પોતાનું જીવનમાં બદલાવ લાવી દીધો.
અક્કડ સ્વભાવ છોડી એકદમ નરમ થયા તથા સમાજમાં લોકો જાેડે હળતા-ભળતા ગયા. હવે લોકો શેઠનો બદલાયેલો ત્યાગશીલ સ્વભાવથી પરિચિત થતા તેમની જાેડે સહકાર આપવા લાગ્યા અને પછી ધંધામાં પણ બરકત આવવાથી વેપારી આલમમાં તેમની ઉદારતાનાં દર્શન થવાથી તે લોકોમાં પૂજાવા લાગ્યા.