ઉદ્ધવ ઠાકરેએ સત્તા માટે હિન્દુત્વ સાથે સમાધાન કર્યુ: અમિત શાહ
પુણે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી (એમવીએ) સરકાર પર ઉગ્ર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેએ સત્તા માટે હિન્દુત્વ સાથે સમાધાન કર્યું. તેમણે કોંગ્રેસ-એનસીપી-શિવસેનાની સરકારને પંચરવાળા પૈડાથી ચાલતી થ્રી વ્હીલર ઓટો ગણાવી હતી. શાહે કહ્યું હતું કે ‘મુખ્યમંત્રી ઠાકરેની તબીયત સારી નથી.
ભગવાન તેમને સારું સ્વાસ્થ્ય આપે, પરંતુ તેમની તબીયત જ્યારે સારી હતી ત્યારે પણ જનતા પૂછતી હતી કે સરકાર ક્યાં છે. ૨૦૧૯માં મેં સ્પષ્ટ કહ્યું હતું કે મુખ્યમંત્રી ભાજપના બનશે, પરંતુ સત્તા માટે તેમણે હિન્દુત્વ સાથે સમાધાન કર્યું.” તેમણે કહ્યું કે ‘મહાવિકાસ અઘાડી સરકાર થ્રી વ્હીલર ઓટો જેવી છે, જેના ત્રણેય પૈડા ત્રણ દિશામાં જઈ રહ્યા છે અને ત્રણેયમાં પંચર છે. તે ચાલતી નથી, માત્ર પ્રદૂષણ ફેલાવે છે.”
છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનો શિલાન્યાસ કરવા પુણે મહાનગરપાલિકા હેડક્વાર્ટર ખાતે પહોંચેલા શાહે ડો. બી.આર. આંબેડકરની પ્રતિમાનું પણ અનાવરણ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસે બંધારણના ઘડવૈયા ડો. આંબેડકરનું તેમના જીવનકાળ દરમિયાન તો અપમાન કર્યું, પરંતુ મૃત્યુ પછી પણ તેમને અપમાનિત કર્યા હતા. અગાઉ બંધારણ દિવસ ઉજવાતો ન હતો કારણ કે કોંગ્રેસને ડર હતો કે આંબેડકરનો વારસો વધુ ને વધુ લોકો સુધી પહોંચશે.HS