ઉદ્ધવ ઠાકરે સહિત ઘણા નેતાએ પાણીનાં બિલ ભર્યાં નથી
મુંબઇ, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન શિવસેનાના ઉદ્ધવ ઠાકરે સહિત ઘણા મોટા નેતાઓએ પાણીનાં બિલ ભર્યાં નથી એટલે બીએમસીએ તેમને ડિફોલ્ટર્સ લિસ્ટમાં ઉમેરી દીધા હોવાનું જાણવા મળ્યું હતું.
ઉદ્ધવ ઠાકરે ઉપરાંત રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન એનસીપીના અજિત પવારે પણ પાણીનાં બિલ ભર્યાં નથી. આ બિલ લાખો રૂપિયાના થાય છે એવી માહિતી જાણકાર સૂત્રોએ આપી હતી.
માહિતી મેળવવાના અધિકાર આરટીઆઇ હેઠળ માગવામાં આવેલી માહિતી આ પ્રકારની હતી કે મોટા ભાગના નેતાઓ અને પ્રધાનોએ હજારો રૂપિયાનાં પાણીનાં બિલ ચૂકતે કર્યા નથી. 2019ના ડિસેંબરથી ઉદ્ધવ ઠાકરેનું બિલ આશરે પચીસ હજાર રૂપિયાનું બાકી હતું. અજિત પવારના નામે આ સમયગાળાનું 1,35,300 રૂપિયાનું પાણીનું બિલ બાકી હતું. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનું પણ સવા લાખ રૂપિયાનું બિલ બાકી હતું. મહારાષ્ટ્ર રાજ્ય સરકારના ઔર એક પ્રધાન જયંત પાટિલ અને બીજા પ્રધાન નીતિન રાઉત બંનેનું વ્યક્તિ દીઠ એક લાખ પંદર હજાર રૂપિયાથી વધુ પાણીનું બિલ હજુ ચૂકવાયું નથી.
આરટીઆઇ હેઠળ જાણવા મળ્યા મુજબ અગાઉ પણ કેટલાક પ્રધાનો અને ધારાસભ્યોએ પાણી તથા વીજળીનાં બિલ ચૂકતે કર્યાં નહોતાં. કેટલાક નેતાઓના આવા બિલ ચોવીસથી પચીસ લાખ રૂપિયા જેટલા થવા જતા હતા.