ઉદ્વાવ ઠાકરે સરકારને સત્તાથી હટાવવા મારા પર દબાણ કરાય છે
મુંબઇ, શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂને પત્ર લખી કેન્દ્ર સરકાર પર તીખો હુમલો કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે મારા પર ઠાકરે સરકાર પાડી ભાંગવા માટે દબાણ બનાવવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં, તેમણે કહ્યું કે ઈડી દ્વારા મને ફસાવવાની શક્ય તમામ કોશિશો કરવામાં આવી રહી છે. ૧૭ વર્ષ પહેલાં મેં એક જમીન ખરીદી હતી. એ મામલે ઈડીએ તપાસ શરૂ કરી છે.
ઈડી મારી દીકરીના લગ્નમાં ખર્ચ થયેલ પૈસાની પણ તપાસ કરી રહી છે. જે વેંડર્સે મારી દીકરીના લગ્નમાં કામ કર્યું હતું તેમને પરેશાન કરવામાં આવી રહ્યા છે.
સંજય રાઉતે કેટલાય સનસનીખેજ દાવા કર્યા છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં મધ્યાવધિ ચૂંટણી કરાવવામાં મદદ કરવાથી ઈનકાર કરવા પર તેમને જેલ મોકલવાની ધમકી આપવામાં આવી છે.તેમણે ચિઠ્ઠીમાં કહ્યું, “એક મહિના પહેલાં કેટલાક લોકોએ મારો સંપર્ક કર્યો હતો અને કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં રાજ્ય સરકાર તોડી પાડવામાં અમારી મદદ કરે.
તેઓ ઈચ્છતા હતા કે આવા પ્રકારની કોશિશમાં હું મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવું જેથી રાજ્યને મધ્યાવધિ ચૂંટણી તરફ ધકેલી શકાય. આવા કોઈપણ એજન્ડાનો ભાગ બનવાથી મે ઈનકાર કરી દીધો, જેના પર મને ચેતવણી આપવામાં આવી કે મારા ઈનકારથી મારે બહુ મોટી કિંમત ચૂકવવી પડી શકે છે. મને ત્યાં સુધી કહેવામાં આવ્યું કે મારા આગામી દિવસો એક પૂર્વ રેલવે મંત્રીની જેમ હોય શકે છે જેમણે કેટલાંય વર્ષ જેલના સળીયા પાછળ વિતાવવા પડ્યાં.”
શિવસેના નેતાએ કહ્યું, “મને ત્યાં સુધી ચેતવણી આપવામાં આવી હતી કે મારા ઉપરાંત મહારાષ્ટ્ર કેબિનેટમાં બે વરિષ્ઠ મંત્રીઓની સાથોસાથ મહારાષ્ટ્રમાં બે વરિષ્ઠ નેતાઓને પણ પીએમએલએ અધિનિયમ અંતર્ગત જેલ ભેગા કરવામાં આવશે, જેના કારણે રાજ્યમાં વચગાળાની ચૂંટણી યોજાશે.”
સંજય રાઉતે આગળ કહ્યું કે અલીબાગમાં તેમના પરિવાર પાસે ૧ એકર જમીન છે, જેને લગભગ ૧૭ વર્ષ પહેલાં ખરીદવામાં આવી હતી, પરંતુ જે લોકોએ જમીન વેચી તેમને અને તેમના પરિવારના સભ્યોને ઈડી અને અન્ય એજન્સીઓ દ્વારા મારી વિરુદ્ધ નિવેદન આપવા માટે ધમકી આપવામાં આવી રહી છે. તેમને એગ્રીમેન્ટ વેલ્યૂની ઉપર અથવા તેનાથી થોડા વધુ રૂપિયા મેં આપ્યા હોવાનું કહેવા દબાણ કરી રહ્યા છે.
સંજય રાઉતે કહ્યું કે “૨૦૧૨-૧૩માં કેટલાક લોકોએ મને અને મારા પરીવારને જમીનનો એક ટૂકડો વેચ્યો હતો, તે લોકો સાથે પણ આવું જ થઈ રહ્યું છે. દિવસેને દિવસે ઈડી અને અન્ય એજન્સીઓના અધિકારી આ લોકોને બોલાવે છે અને તેમને જેલ મોકલવા અને તેમની સંપત્તિ અટેચ કરવાની ધમકી આપે છે.
બધી જ સંપત્તિ પબ્લિક ડોમેનમાં છે અને રાજ્યસભા માટે મારા નામાંકન પત્ર સાથે ફાઈલ કરવામાં આવેલ સોગંધનામાનો ઉલ્લેખ છે. આટલા વર્ષોમાં મને કોઈ સવાલ પૂછવામાં નથી આવ્યો. જાે કે, અચાનક ઈડી અને અન્ય એજન્સીઓ માટે આ એક ચિંતાનો મુદ્દો બની ગોય છે. લગભગ ૨૦ વર્ષ પહેલાં ખરીદવામાં આવેલ સંપત્તિના સંબંધમાં તપાસ કરવાનું કામ ઈડી અને અન્ય એજન્સીઓ પાસે નથી.”
સંજય રાઉતે દાવો કર્યો કે તપાસ એજન્સીઓ દ્વારા અત્યાર સુધી ૨૮ લોકોને ખોટી રીતે ઉઠાવવામાં આવ્યા છે. સાથે જ મારી વિરુદ્ધ નિવેદન ના આપવા પર ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપી છે. ૨૦૦૩માં બનેલ મની લૉન્ડ્રિંગ એક્ટ તરફ ઈશારો કરતાં તેમણે આરોપ લગાવ્યો કે ઈડી અને અન્ય કેન્દ્રીય એજન્સિઓ તેનો ઉપયોગ કરી ભાજપના રાજનૈતિક પ્રતિદ્વંદ્વિઓને ધમકાવી રહી છે અને પરેશાન કરી રહી છે.
સંજય રાઉતે કહ્યું કે, “શિવસેનાએ જ્યારથી મહારાષ્ટ્રમાં ભાજપ સાથે છેડો ફાડ્યો છે, અમે જાેઈ રહ્યા છીએ કે શિવસેનાના સાંસદો અને નેતાઓને કાનૂન લાગૂ કરાવતી એજન્સીઓ જેવી કે ઈડીનો ઉપયોગ કરી ટારગેટ કરવામાં આવી રહ્યા છે. ઈડીના કર્મચારીઓ અમારા ધારાસભ્યો, સાંસદો અને નેતાઓની સાથોસાથ તેમના સંબંધીઓ, મિત્રો અને પરિચિતોને ડરાવવા- ધમકાવવામાં કોઈ કસર નથી છોડી રહ્યા.”HS