ઉધનામાં અસામાજિક તત્વોનો આંતકઃ ઘણા વાહનમાં તોડફોડ
સ્થાનિકોએ લુખ્ખાતત્વોના આતંકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા બાદ પોલીસ કાફલો દોડતો થયો
સુરત, પોલીસની નિષ્ક્રિયતાના પગલે સુરતમાં છેલ્લા લાંબા સમયથી અસામાજિક તત્વોનો આંતક દિવસને-દિવસે વધી રહ્યો છે, ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં આવેલી બાજપાઈ નગર સોસાયટીમાં પાર્ક કરેલી ૧૦ કરતાં વધુ ગાડીઓમાં અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ જતાં સ્થાનિક લોકોએ સીસીટીવીના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કરતા પોલીસ દોડતી થઇ ગઈ હતી.
સુરત શહેરમાં કાયદાની પરિસ્થિતિ દિવસેને દિવસે લથડી રહી છે. કારણ કે, અસામાજિક તત્વોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે, આવા વીડિયો વાયરલ થતા પોલીસની નિષ્ક્રિયતા જવાબદાર માનવામાં આવે છે. આવા લોકો વિરૂદ્ધ પોલીસ દ્વારા કોઈ કડક કાર્યવાહી કરાતી નથી, જેને લઇને લુખ્ખા તત્ત્વો બેફામ બન્યા છે, ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં આવેલી વાજપાઈ નગર સોસાયટીમાં અસામાજિક તત્વોએ બેફામ આંતક મચાવ્યો હતો, લાકડીઓ અને પાઈપોથી તોડફોડ કરી હતી.
આ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે, છાશવારે લોકોને આ વિસ્તારમાં પોતાનું વર્ચસ્વ સ્થાપવા માર મારતા હોવાની ઘટનાઓ પણ સામે આવી છે, પણ જે રીતે આ અસામાજિક તત્ત્વોએ ગાડીઓમાં તોડફોડ કરી હતી, જેને લઇને સ્થાનિક લોકોમાં રોષ ભભૂકી ઉઠયો હતો. આવા તત્વો સામે પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી તેવા સ્થાનિકોએ આક્ષેપો પણ કર્યા હતા.
આખરે સ્થાનિકોએ અસામાજિક તત્વોનો આતંક સીસીટીવી કેમેરામાં કેદ થઇ જતાં આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા, જેને લઈને ઉધના પોલીસ ફરી એક વખત દોડતી થઈ ગઈ હતી. જાણે પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય તેમ વાહનોમાં તોડફોડ કરતા જાેવા મળી રહ્યા છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, એક પછી એક વાહનોને નિશાન બનાવી તોડફોડ કરવામાં આવી રહી છે.