ઉનાળાની ઋતુને ધ્યાને લઈ જિલ્લાના તમામ ગામોમાં પીવાના પાણીની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી
ગ્રામ્ય કક્ષાએ પીવાના પાણીને લગતા આવશ્યક કામો, ટેન્કર માટેની ટેન્ડરીંગ પ્રક્રિયા સહિતના મુદ્દાઓ પર સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ સાથે વિસ્તૃત ચર્ચા
(માહિતી બ્યુરો, પાટણ) ઉનાળાની ઋતુ શરૂ થઈ ચુકી છે ત્યારે પાટણ જિલ્લાના ગામોમાં પીવાના પાણીની સ્થિતિ અને તે અંગે કોઈ પ્રશ્નો ન ઉદ્ભવે તે માટે જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા પાણી સમિતિની બેઠક યોજાઈ. જેમાં પીવાના પાણીની સંભવિત તકલીફને દૂર કરવા આગોતરા આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
કોરોના વાયરસના સંક્રમણની શક્યતાઓ વચ્ચે ઉનાળાની ઋતુમાં જિલ્લાના તમામ વિસ્તારોમાં પીવાના પાણીની ઉપલબ્ધતા અને આગામી સમયમાં પાણીની માંગના સંભવિત પ્રશ્નો બાબતે ચર્ચા કરવા જિલ્લા પાણી સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ. જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતા અને માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ બેઠકમાં જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પીવાના પાણી બાબત આવશ્યક કામો, ટેન્કરથી પાણી ઉપલબ્ધ કરાવવાનું થાય તો તે માટેની ટેન્ડરીંગ પ્રક્રિયા સહિતના મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા તાલુકા સ્તરે પાણીના પ્રશ્નો બાબતે બેઠક યોજવા તથા પાણીના પ્રશ્નોના નિકાલ માટે સબંધિત વિભાગના અધિકારીશ્રીઓને સુચના આપી હતી. વધુમાં પાણી પુરવઠાને લગતા આવશ્યક કામો માટે સબંધિત પ્રાંત અધિકારીશ્રી પાસેથી મંજુરી મેળવી આગામી તા.૨૦ એપ્રિલ પછી સત્વરે કામગીરી શરૂ કરવા સુચના આપવામાં આવી. જેથી ઉનાળાના સમયગાળા દરમ્યાન પીવાના પાણીના પ્રશ્નો નિવારી શકાય.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખ, મદદનીશ કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે, તમામ પ્રાંત અધિકારીશ્રીઓ, તાલુકા લાયઝન અધિકારીશ્રીઓ તથા પાણી પુરવઠા બોર્ડના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.