ઉનાળાની શરૂઆતમાં જ પાંચથી વધુ ગામોમાં જળસંકટ
ચોટિલા, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં ઉનાળાના પ્રારંભે જ પાણીની સમસ્યા સર્જાતા પાંચથી વધુ ગામોના ૩૦૦થી વધુ પરિવારોએ, હજારથી વધુ પશુઓ સાથે ગામ છોડી હિજરત કરી ગયાં છે.
હાલ ગામમાં પાણીની ગંભીર સમસ્યાને લઇને મહિલાઓને પાણી માટે રઝળપાટ કરવાની નોબત આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાને નર્મદાના નીરનો સૌથી વધુ લાભ મળ્યો હોવાની સરકાર દ્વારા ગુલબાંગો પોકારવામાં આવી રહી છે.
ત્યારે વાસ્તવિકતા કાંઇક જુદા જ દ્રશ્યો બતાવી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના જસાપર , નાનયાણી, નાના કાંધાસર, સાંગાણી, રાજાવડ, નાની મોરસલ સહીતના ગામોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઇ છે. આ ગામોમાં બોર અને કુવાના પાણી તળીયે ચાલ્યા ગયા છે.
જેનાં કારણે ઉનાળાની શરૂઆતમાં જ પાણીના પોકારો શરૂ થઇ ગયાં છે. જેને લઇને આ પાંચ ગામોના ૩૦૦થી વધુ પરિવારો હિજરત કરી આણંદ, નડીયાદ અને ધોળકા તરફ ચાલ્યા ગયાં છે. જેનાં કારણે ગામો ખાલીખમ લાગી રહ્યાં છે. ગામડામાં હોંશે હોંશે બનાવેલા પાકા મકાનો બંધ કરી માલધારી સમાજના લોકોને અન્ય ગામોમાં રઝળપાટ કરવાની નોબત આવી છે.
તેમ છતાં તંત્રના સરકારી બાબુઓ કે રાજકારણીઓના પેટનું પાણી પણ નથી હલતુ. આ ગામોમાં મોટા ભાગના ઘરોમાં લોકો ઘર બંધ કરી સરસામાન સાથે હિજરત કરી ગયાં છે અને ઘરની બહાર આડા કાંટા મુકી પોતાના આશરાને છોડી ચાલ્યું જવુ પડ્યું છે.
પરિવારોના જણાવ્યા પ્રમાણે, હવે સારો વરસાદ થયાં બાદ આ પરિવારો પોતાના ઘરે પાછા ફરશે. છેલ્લા ૨૫ વર્ષ કરતા વધુ સમયથી આ સમસ્યા જેમની તેમ છે.
ત્યારે તંત્ર દ્વારા આ મામલે કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ છે. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ઢાંકી ખાતે આવેલુ નર્મદા કેનાલનું પમ્પીંગ સ્ટેશન માત્ર ભારત જ નહી પરંતુ એશિયાનું સૌથી મોટુ પમ્પીંગ સ્ટેશન છે.SSS