ઉનાળાની શરૂઆતમાં લીંબુના ભાવ ૧૦૦ રૂ. કિલો થયા
અમદાવાદ: રોજ બરોજ મોંઘવારી વધી રહી છે. જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓના ભાવ વધી રહ્યા છે . હવે તો ઉનાળાની શરૂ થતાં જ શાકભાજીના ભાવ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે. ઉનાળામાં લીંબુની માંગ વધતા એક સપ્તાહમાં ભાવ આસમાને પહોંચ્યા છે. એક સપ્તાહ પહેલા લિબુના ભાવ હોલસેલમાં ૨૦ કિલોના ૧૦૦૦ હજાર રૂપિયા હતા.જે વધીને હોલસેલમાં ૧૩૦૦ રૂપિયા થયા છે. એટલે કે હોલસેલ કરતા રિટેલમાં ભાવ વધારે હોય છે. રિટેલમાં એક કિલો લીંબુનો ભાવ ૧૦૦ રૂપિયા થયો છે.અને જેમ જેમ ઉનાળાની સિઝન આગળ વધશે તેમ ભાવ વધવાની પણ શકયતા છે.
લીંબુ સિવાય અન્ય શાકભાજીના ભાવ પણ ઊંચા છે. હોલસેલમાં ગવારના ભાવ ૧૩૦ રૂપિયા છે તો. ચોરીના એક કિલોના ૧૦૦ રૂપિયા છે. તુરિયાના ભાવ ૪૫ રૂપિયા છે. રીંગણાં ૩૬, કોબી ૪૦ સહિતના ભાવ આસમાને છે. ત્યારે વેપારીઓએ વાત કરતા જણાવ્યું હતું કે, સિઝન વગરના શાકભાજી છે તેના ભાવ ૧૨૦થી ૧૩૦ રૂપિયે કિલો થયા છે.
જાેકે શાકભાજી ખરીદવા માટે આવતા ગ્રાહકોએ વાત કરતા જણાવ્યું હતું કે, પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે તેની અસર ટ્રાન્સપોર્ટ પર થઈ રહી છે. અને તમામ ચીજ વસ્તુના ભાવ પર વધી રહ્યા છે.અત્યારે શાકભાજીના ભાવ વધી રહ્યા છે. શિયાળામાં ૩૦ રૂપિયાના ૫૦૦ ગ્રામ લીંબુ મળતા હતા આજે ૫૦ રૂપિયા થઈ ગયા છે અને ધીમે ધીમે ભાવ વધી રહ્યા છે.અન્ય એક ગ્રાહકે જણાવ્યું કે, શાકભાજીના ભાવ આ રીતે વધશે તો ગૃહીણીઓનું બજેટ ખોરવાઇ જશે. વધારે ભાવ આપીને શાકભાજી ખરીદવાનો વારો આવશે.