ઉનાળામાં તડકામાં મોં ઢાંકવામાં વાંધો નહિ : કોરોનામાં માસ્ક પહેરવા ઉધામા
(પ્રતિનિધિ) અમદાવાદ: રાજય સરકાર ધ્વારા માસ્ક નહિ પહેરવા જાહેરમાં ગંદકી કરવા સહિતના મામલે રૂ.૧૦૦૦નો દંડ લેવાની જાહેરાત કરવામાં આવી હોવા છતાં નાગરિકો સુધરવાનું નામ લેતા નથી એક હજારના દંડ પછી પણ ઘણા લોકો વગર માસ્કે ફરતા ઝડપાયા છે અને દંડ પણ ભર્યા છે. માસ્ક નહિ પહેરવા જુદા જુદા બહાના ધરાય છે પરંતુ યાદ છે અમદાવાદમાં ઉનાળામાં ૪૦ ડીગ્રી ઉપર ગરમી પડતી હોય અને ગરમ વાયરા ફૂંકાતા હોય ત્યારે લોકો મોંઢે રૂમાલ કે દુપટ્ટા બાંધીને ફરતા હોય છે. કાળઝાળ ગરમીમાં યુવતીઓતો માત્ર આંખોની બે કીકી દેખાય તેમ મોંઢે – માથે દુપટ્ટો બાંધી દે છે તો છોકરાઓ પાછળ રહે ખરા. એ લોકો હાથ રૂમાલ બાંધીને મોં ઢાંકી દે છે.
ઉનાળાની કાળઝાળ ગરમી માર્ચ- એપ્રિ- મે માં વધારે હોય છે. આ ત્રણેય મહિના મોં એ બુકાની બાંધીને ફરનારાની સંખ્યા ઓછી નથી. તો કોરોના જેવો ખતરનાક વાયરસ વિશ્વમાં લાખો લોકોને ભરખી ગયો છે ત્યારે મોઢા પર માસ્ક બાંધવામાં શું વાંધો હોઈ શકે ?? માસ્ક બાંધવાથી વ્યક્તિનો પોતાનો બચાવ થાય છે પરંતુ બીજાને પણ કોરોનાથી સંક્રમિત થતા બચાવી શકાય છે પરંતુ ઉનાળામાં ત્વચાને નુકશાન થાય અને કાળા પડી ન જવાય ત્યારે મોં ઢાંકવાનું યાદ આવે છે.
આમ નાગરિકોની બેદરકારીથી કેસો વધી રહયા છે. તાજેતરમાં જશોદારનગરની હેમાપાર્ક સોસાયટીમાં એક સાથે ર૦ થી વધુ લોકો કોરોના સંક્રમિત થયા હતા તેની પાછળ પણ સ્થાનિક કેટલાક લોકો માસ્ક વગર ફરતા હોવાની ચર્ચા ઉઠી છે. મૂળ મુદ્દે માસ્ક પહેરો સોશિયલ ડીસ્ટન્સ રાખવુ ખૂબ જ જરૂરી છે.