ઉનાળામાં લોકોને પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે માટે અંતરીયાળ વિસ્તારોમાં ટેન્કર દોડાવાશે

(માહિતી બ્યુરો, પાલનપુર) પાલનપુર ખાતે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને પાણી સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં પાણી પુરવઠાની પાઇપલાઇનમાંથી પાણી ચોરતા વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવા ર્નિણય લઇ પોલીસ ફરીયાદ દાખલ કરવાની સુચના આપવામાં આવતી હતી.
પાણી પુરવઠાની પાઇપલાઇનમાંથી ગેરકાયદેસર કનેક્શન લઇ ખેતરમાં કે વાડીમાં વાવતેર કરતા વ્યક્તિઓ સામે પાણી પુરવઠા વિભાગ અને પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી કરવામાં આવશે.
બનાસકાંઠા જિલ્લાના પશ્વિમ વિસ્તારના અંતરીયાળ ગામોમાં પાણી પહોંચી શકે તે માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા ગેરકાયદેસર કનેક્શન કાપવાની ઝુંબેશ હાથ ધરવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારમાં પાણીની સમસ્યાના નિવારણ માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા ૧૯૧૬ હેલ્પનંબર શરૂ કરવામાં આવેલો છે તેના પર લોકો પોતાના વિસ્તારની પાણી અંગેની ફરીયાદ આપી શકશે.
બેઠકમાં કલેકટરશ્રીએ જણાવ્યું કે, ઉનાળાની સીઝનમાં લોકોને પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે માટે અંતરીયાળ વિસ્તારના જરૂરીયાતવાળા ગામડાઓમાં ટેન્કર મારફત પાણી પહોંચાડવા તથા પશુ- પક્ષીઓ માટે પાણીના હવાડા ભરવા તેમણે અધિકારીઓને સુચના આપી હતી.
પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેરશ્રી ડી. એમ. બુંબડીયાએ જણાવ્યું કે, જિલ્લાના છેવાડાના ગામડાઓમાં પીવાનું પાણી સરળતાથી મળી રહે તે માટે ૨૭૪ જેટલાં ગેરકાયદેસર પાણીના કનેકશન કાપવામાં આવ્યા છે અને મેઇન પાઇપલાઇનમાંથી પાણી ચોરીને ખેતરમાં વાવેતર કરનારા વ્યક્તિઓ વિરૂધ્ધ પોલીસ સાથે સંકલનમાં રહીને કાર્યવાહી કરવામાં આવશે.
આ બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષકશ્રી પૂજા યાદવ સહિત પ્રાંત અધિકારીઓ અને સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.