ઉપલેટામાં માત્ર ૨૪૦૦ રૂપિયા માટે મિત્રએ મિત્રની હત્યા કરી
ઉપલેટા, જ્યારે જીવનમાં રૂપિયો મહત્વનો બની જાય છે, ત્યારે સંબંધો ગૌણ થઇ જાય છે અને રૂપિયા માટે વ્યક્તિ ગમે તે કરી નાંખે છે. પૈસા માટે સંબંધોનું ખૂન તો ઘણી વાર જાેયું હશે. પરંતુ ઉપલેટામાં માત્ર ૨૪૦૦ રૂપિયા માટે એક દોસ્તે દોસ્તનું ખૂન કરીને દોસ્તીની જ હત્યા કરી નાંખી.
બે દિવસ પહેલા તારીખ ૩૦ ના રોજ રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના ખીજડા શેરીમાં રહેતા સિકંદર હાજીભાઈ મન્સૂરી નામના પીંજારા (ઉ.વ ૨૫) ને તેના જ બે મિત્રોએ તેના ઘરે આવી જે માત્ર ૨૪૦૦ રૂપિયાની ઉઘરાણીમાં પેટમાં છરી મારીને મોતને ઘાટ ઉતાર્યો છે.
૨૫ વર્ષનો સિકંદર હાજીભાઈ મન્સૂરી ઉપલેટા શહેરના ખીજડા શેરીમાં તેના પરિવાર સાથે રહે છે અને શહેરના નટવર રોડ ઉપર આવેલ એક માલવિયા સ્ટીલ નામની વાસણની દુકાનમાં કામ કરે છે. તેના બે મિત્રો રોહિત દિપકભાઈ મકવાણા અને બીજાે દયાલસિંહ કેવલસિંહ સરદાર હતા.
સિકંદરે આ બંને પાસેથી મિત્રતાના દાવે માત્ર ૨૪૦૦ રૂપિયા હાથ ઉછીના લીધા હતા અને આ બંને હવે સિકંદર પાસે આ રૂપિયા પરત મંગાતા હતા. ૩૦ તારીખના રોજ સવારે સિકંદર જ્યારે કામ ઉપર ગયો હતો. ત્યારે આ બંને સિકંદરના ઘરે આવ્યા અને સિકંદરના માતાને પૂછ્યું હતું કે, સિકંદર ક્યાં છે? અને પછી કહ્યું કે તેને કહેજાે કે તે અમારા ૨૪૦૦ રૂપિયા પરત આપી દે.
આ સમગ્ર વાત સિકંદરની માતાએ તેના પુત્ર સિકંદરને કહી દીધી હતી. ત્યારબાદ તે દિવસે રાત્રે સિકંદર કામેથી ઘરે આવ્યો ત્યારે તેના બંને મિત્રો ઘરે આવ્યા હતા. ઘરનો દરવાજાે ખોલતા જ તેણે ઉઘરાણી શરૂ કરી હતી. જેમાંથી મામલો બિચકતા રોહિત અને દયાલસિંહ તેને ઢીંકા પાટા મારવાનું શરૂ કર્યુ હતું.
આ જાેઈ સિકંદરની માતા અને તેની પત્નીએ બંનેને સિકંદરને માર નહિ મારવા માટે વિનંતી કરી હતી, પરંતુ ત્યારે રોહિતે વધુ ઉગ્ર થઇને તેના પેન્ટના નેફામાં રાખેલ છરી કાઢી હતી, અને દયાલસિંહે સિકંદરને પાછળથી પકડી રાખ્યો હતો. રોહિતે સિકંદરને પેટના ભાગે છરી મારી હતી, ત્યારે સિકંદર ત્યાંજ જમીન ઉપર ફસડાઈ પડ્યો હતો.
સિકંદરની માતા અને પત્નીએ બૂમ બરાડા નાખતા આસપાસના પાડોસીઓ ભેગા થયા હતા. સિકંદરને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લઈ જવાય તે પહેલા જ તેણે દમ તોડ્યો હતો. હત્યારા રોહિત દિપકભાઈ મકવાણા અને દયાલસિંહ કેવલસિંહ સરદાર એ સિકંદરના મિત્રો હતા અને સુખદુઃખમાં સાથે રહેતા હતા.
નાની નાની જરૂરિયાત માટે એકબીજાને સાથ આપતા હતા, જયારે સિંકદરને માત્ર ૨૪૦૦ રૂપિયાની જરૂરિયાત પડી ત્યારે આ મિત્રોએ તેને આપ્યા હતા અને જ્યારે સિકંદરએ પરત આપવામાં મોડું કર્યું તો તેને તેના આ મિત્રોએ મોતને ઘાટ ઉતારી દીધો હતો. જાેકે, રોહિત અને દયાલસિહ બંનેનો ગુનાહિત ઈતિહાસ છે. રોહિત ઉપર જૂનાગઢમાં અનેક મારામારીના ગુના છે. જ્યારે દયાલસિંહ અનેક વખત પ્રોહિબિશનમાં પકડાઈ ચૂક્યો છે.HS