ઉપવાસ પર બેઠેલી ત્રણ મહિલાઓની તબિયત લથડી
અમદાવાદ: અનામત પરિપત્રને લઇને ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લા બે મહિનાથી ધરણાં-આંદોલન પર ઉતરેલી મહિલાઓ ઉમેદવારો પૈકી આજે ત્રણની તબિયત લથડતાં ભારે ચકચાર મચી ગઇ હતી. તો, બીજીબાજુ, તંત્ર પણ દોડતુ થઇ ગયું હતું. છેલ્લા ૧૭ દિવસથી આમરણાંત ઉપવાસ ઉપર ઉતરેલી મહિલાઓ પૈકી ત્રણ મહિલાઓની આજે અચાનક તબિયત લથડતાં અને પરિસ્થિતિ ગંભીર બનતાં તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જયાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા આ મહિલાઓના ખબર અંતર પૂછવા પહોચ્યા હતા અને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
ત્રણ મહિલાઓ પૈકી એક જામનગરની રહેવાસી હેતલબહેન ધારાવડીયાનો સમાવેશ થાય છે. ત્રણેયને તબિયત લથડતાં તાત્કાલિક નજીકની ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આમરણાંત ઉપવાસ પર ઉતરેલી ત્રણ મહિલાઓની તબિયત લથડતાં અને હજુ સુધી સરકાર તરફથી કોઇ હકારાત્મક પ્રતિભાવ નહી આવતાં અન્ય ઉમેદવારોમાં પણ ઉગ્ર આક્રોશની લાગણી જન્મી હતી. ખાસ કરીને વિપક્ષ કોંગ્રેસ દ્વારા પણ સરકારની આ અસંવેદનશીલ નીતિને લઇ આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, એલઆરડી ભરતીમાં રાજય સરકાર દ્વારા કરાયેલા જીઆરને લઇ વિવાદ દિન પ્રતિદિન વકરી રહ્યો છે. તા.૧-૮-૨૦૧૮ના જીઆર મુજબ, અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને જનરલ મેરીટમાંથી બાદ કરવામાં આવી છે, જની સામે લગભગ ૬૦ દિવસથી ૧૦૦થી પણ મહિલાઓ ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં-આંદોલન કરી સરકારને જગાડવાનો પ્રયાસ કરી રહી છે.
બીજીબાજુ, અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોએ પણ આ પરિપત્ર રદ નહી કરવા બાબતે માંગણી કરી આવેદનપત્ર સુપ્રત કરી તેઓએ પણ ગાંધીનગરમાં આંદોલનના ધામા નાંખ્યા છે. પોલીસની ભરતીમાં, સરકાર દ્વારા મહિલાઓને ૩૩ ટકા અનામત અપાઇ છે પરંતુ તા.૧-૮-૨૦૧૮ના પરિપત્ર મુજબ, જે મહિલા ઉમેદવારે જે કેટેગરીમાં ફોર્મ ભર્યુ હોય, તેની પસંદગી તે જ કેટેગરીમાં શકય બની શકે. એટલે કે, કોઇ મહિલાએ ઓબીસી કેટેગરીમાં ફોર્મ ભર્યુ હોય તો તેને જનરલ કેટેગરીમાં સ્થાન મળી શકે નહી.
આ જીઆરને લઇ હવે એવી પરિસ્થિતિ સર્જાઇ છે કે, કેટલીક અનામત કેટેગરીની મહિલા ઉમેદવારો જનરલ કેટેગરી તેમ જ ઇડબલ્યુએસ કેટેગરીની મહિલાઓ કરતાં વધુ માર્કસ આવ્યા હોવાછતાં તેમને જનરલ કેટેગરીમાં સ્થાન નહી મળતાં તેઓ નોકરીથી વંચિત રહી જતાં મામલો ગરમાયો હતો.