Western Times News

Gujarati News

ઉમરગામના બિલ્ડર જીતુને અપહરણકારોથી છોડાવાયા

વલસાડ,  ઉમરગામના બિલ્ડર જીતુ પટેલનું અપહરણ કરીને ૩૦ કરોડ રુપિયાની ખંડણી માગવાના કેસમાં પોલીસે બિલ્ડરને અપહરણકારોના કબજામાંથી હેમખેમ છોડાવી લીધા છે. જીતુ પટેલને સાત દિવસ સુધી ગોંધી રાખવામાં આવ્યા હતા. પોલીસે મુંબઈમાંથી તેમનો છૂટકારો કરાવ્યો છે. આ મામલે સાત જેટલા અપહરણકારોની ધરપકડ કરવામાં આવી છે.

બિલ્ડરના અપહરણમાં સોનાર ગેંગનો હાથ હોવાનું સામે આવી રહ્યું છે. વલસાડ પોલીસે આ મામલે જે સાત લોકોની ધરપકડ કરી છે તેઓ સોનાર ગેંગના જ સૂત્રધાર પપ્પુ ચૌદરી સહિતના લોકો હોવાનું સૂત્રોનું કહેવું છે. જીતુ પટેલને સાતેક દિવસ પહેલા અપહરણકારો ઉઠાવી ગયા હતા. બિલ્ડરના અપહરણના સીસીટીવી ફુટેજ પણ પોલીસને હાથ લાગ્યા હતા, જેમાં તેમને ઉઠાવીને મહારાષ્ટ્ર તરફ લઈ જવાયા હોવાનું ખૂલ્યું હતું.

ઉમરગામના નામી બિલ્ડર જીતુ પટેલને ઉઠાવીને અપહરણકારોએ ૩૦ કરોડ રુપિયાની માતબર રકમની ખંડણી માગી હતી. પોલીસને આ અંગે જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓના સુપરવિઝનમાં અલગ-અલગ ટીમો બનાવીને જીતુ પટેલને છોડાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેના ભાગરુપે મુંબઈમાં પણ ઓપરેશન હાથ ધરાયું હતું, અને જીતુ પટેલને ત્યાંથી હેમખેમ છોડાવી લેવાયા હતા.

જીતુ પટેલની ગાડી આંતરીને તેમને અપહરણકારો ઉઠાવી ગયા હતા. બિલ્ડરને રોકીને અપહરણકારોએ તેમના લમણે મૂકી પોતાની સાથે આવવા માટે કહ્યું હતું. અપહરણના સાત દિવસ સુધી તેમનો કોઈ અતોપતો નહોતો લાગી રહ્યો. જાેકે, ગઈકાલે રાત્રે જીતુ પટેલનો ફોન ઓન થતાં પોલીસને તેમનું લોકેશન મળી ગયું હતું, જેના આધારે તાત્કાલિક પોલીસ ત્યાં લોકેશન પર પહોંચી ગઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.