Western Times News

Gujarati News

ઉમરાળા તાલુકાના ચોગઠ ખાતે શ્રી રામભાઈ રાવળદેવના સમાધિ નવ નિર્માણ મહોત્સવ યોજાયો

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ જણાવ્યું હતું ઉમરાળા તાલુકાના ચોગઠ ખાતે  ધર્મ પ્રચારક તથા શક્તિ ઉપાસક રાવળદેવ જોગી શ્રી રામભાઈ રાવળદેવના સમાધિ નવ નિર્માણ તથા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં આમંત્રિત કરવા બદલ હું મારી જાતને ભાગ્યશાળી માનું છું અને આ મારૂં સૌભાગ્ય છે.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે રાવળદેવ સમાજ એ મહેનતુ, ઈમાનદાર તેમજ ધર્મ પ્રચારાર્થે પરમ શક્તિની ઉપાસના કરનારો સમાજ છે.આ સમાજ દ્વારા ૧૧૦૦ ડાક અને  ડમરૂના નાદ થકી જે રીતે મારૂં સ્વાગત કર્યું છે તે મને નવું કાર્ય કરવાની ઉર્જા અને પ્રેરણા પુરી પાડનારૂ બની રહેશે. ખૂબ વ્યસ્તતા હોવા છતાં છેવાડાના સમાજ માટેનો રાવળદેવ સમાજનો આવકાર , પૂજ્ય રામબાપુની ઈચ્છા અને મારી લાગણીના કારણે આપ સૌના દર્શન કરવાનું મને આ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે આ સરકાર ગરીબોની, ગામડાની તેમજ નાના સમાજ માટેની સરકાર છે.જાત-પાત, ધર્મ,કે ઉચ્ચ- નીચ નહીં પણ ગાંધી અને સરદારની ભૂમિના આપણે સૌ એક ગુજરાતી છીએ.અને તેથી જ ‘’સરકાર સબ સમાજ કો લીયે સાથ મેં આગે બઢતે જાના હે’’ ના મંત્રને ચરિતાર્થ કરવા કામ કરી રહી છે.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યુ હતું કે રાવળદેવ સામાજના આગેવાનો દ્વારા રજૂ કરવામાં આવેલ વિદ્યાર્થી સ્કોલરશીપ, મકાન,પ્લોટ, ગામડાઓમાં સ્મશાન માટે જગ્યા,તેમજ જ્ઞાતિ ને રાવળદેવ સમાજના નામ થી સંબોધિત કરવા સહિતના સામાજિક પ્રશ્નોને સરકાર ગંભીરતા થી લઈ રાવળદેવ સમાજ સામાજિક તેમજ શૈક્ષણિક રીતે આગળ આવે તે માટે કામ કરશે.સરકાર ગરીબોની સરકાર છે દિલ્હીની નરેન્દ્રભાઈ મોદીની સરકાર હોય કે પછી ગાંધીનગરની સરકાર હોય દેશના સંસાધનો પર સૌનો સમાન હક છે અને આ લાભ ઉચ્ચ નીચ કે ધર્મ જ્ઞાતી ના ભેદભાવ જોયા વગર સૌને મળી રહે તે માટે કટિબદ્ધ છે.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ કે સરકારની નેમ છે કે ૨૦૨૪ સુધીમાં તમામના માથા પર છત હોવી જોઈએ અને તેથી જ ૫ વર્ષમાં સુવિધાયુક્ત ૨૫ લાખ મકાનો બનાવવાની યોજના પર સરકાર હાલ કામ કરી રહી છે.આ સરકાર ‘’હર હાથ કો કામ હર ખેત કો પાની’’ નું સૂત્ર લઈ કામ કરનારી સરકાર છે. અને તેથી જ બીમારીના સમયે ગરીબ દેવાના બોજ તળે દબાઈ ન જાય તે માટે સરકાર દ્વારા મા અમૃતમ તેમજ માં વાત્સલ્ય યોજના અમલમાં મૂકાઇ છે તો યુવાનો બેરોજગાર ન રહે તે માટે ૧૨ લાખ ખાનગી ક્ષેત્રમાં અને દોઢ લાખ સરકારી નોકરીઓ આપવામાં સરકાર સફળ રહી છે.પરિવારો મકાન વગર, યુવાનો રોજગાર વગર, મહિલાઓ સુરક્ષા વગર અને બાળકો ભણતર વગર ના રહે તે આ સરકારની પ્રાથમિકતા છે.

આ સરકારે દારૂબંધીનાં કડક અમલ માટે ૭ વર્ષની કેદ થાય તેવા કડક કાયદા અમલમાં મુક્યા જ્યારે પાડોશી રાજ્ય રાજસ્થાનની સરકારે મહિલાઓ દારૂ વહેંચી શકે તે માટે ના લાઇસન્સ આપવાની જોગવાઈઓ કરી છે.ભવિષ્યની પેઢી વ્યસનમાં બરબાદ ન થઈ જાય તે માટે કડક દારૂબંધીની નીતિને વળગી તેની અમલવારી કરવાના સદાય અમારા પ્રયત્નો રહેશે.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યુ કે ગાય એ આપણી સંસ્કૃતિ છે આપણી માતા છે અને તેથી તેનું રક્ષણ એ સરકારની ફરજ છે અને આથી જ જે કોઈ ગૌમાતાની, ગૌવંશની દયા ખાવા નથી માંગતું આ સરકાર પણ તેની દયા ખાવા નથી માંગતી.તેમ જણવી ઉમેર્યુ હતુ કે શ્રીનરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી પળેપળ નવાં ભારતના નિર્માણ માટે પ્રયત્નો કરી રહ્યા છે. આપણે સૌ એક ગુજરાતી છીએ ત્યારે જે વર્ગ પાછળ છૂટી ગયો છે તેની ચિંતા કરી સરકાર સૌનો સાથ સૌનો વિકાસ મંત્રને સાકાર કરવા કટિબદ્ધ છે.

ઉપસ્થિત રાવળદેવ સમાજને સંબોધિત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ હતુ કે ડાક ડમરુ થકી રાવળદેવ સમાજ દ્વારા કરવામાં આવેલ સ્વાગત ક્યારેય નહીં ભુલાય તેમ જણાવી મુખ્યમંત્રીશ્રી એ ઉમેર્યું હતું કે રાવળદેવ સમાજના પ્રશ્નો તેમજ સમાજના ઉત્કર્ષ માટે હરહંમેશ સરકારના દ્વારા ખુલ્લાં છે આવો સૌ સાથે મળી ભવ્ય તેમજ દિવ્ય ગુજરાત બનાવવા કામ કરીએ.

સાંસદ શ્રીમતી ભારતીબેન શીયાળે આ પ્રસંગે જણાવ્યુ હતુ કે રામભાઈ રાવળે સમાજને આપેલ યોગદાનનો ઋણ અદા કરવાનો આ કાર્યક્રમ છે. હિંદુ ધર્મ અને સંસ્કૃતિમાં સ્વયં માતાજીને બોલાવવાનું વાતાવરણ રાવળ સમાજ દ્વારા ઉભું કરાયું હતું.રામભાઈ રાવળે કલાના માધ્યમથી માતાજીને વૈશ્વિક સ્તરે સ્થાપિત કર્યા અને સમગ્ર દેશને ગૌરવ અપાવવાનું કાર્ય કર્યું.

આ પ્રસંગે ધારસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણીએ ગરીબ, કિસાન, ખેડુત, ગૌમાતા તેમજ પાંજરાપોળ માટે બજેટમા વિશેષ જોગવાઈ કરવા બદલ જીવદયા પ્રેમી શ્રી વિજયભાઈ રૂપાણીને ધન્યવાદ પાઠવ્યા હતા અને રામભાઈ રાવળના સમાજોપયોગી કાર્યોને યાદ કર્યા હતા અને વધુમા જણાવ્યુ હતુ કે ગામડાની પાયાની સુવિધાઓની રાજ્ય સરકાર ચિંતા કરે છે અને ખેડૂત માટે વિજળી, ગટર, પાણી વગેરેની મુળભૂત સુવિધાઓ ઉભી કરી રહી છે.

આ કાર્યક્રમમા સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળ, પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઈ વાઘાણી, ગુજરાતા હાઉસિંગ બોર્ડના ચેરમેન તથા જિલ્લા ભાજપાના પ્રમુખ શ્રી મહેન્દ્રસિહ સરવૈયા, પુર્વમંત્રી શ્રી આત્મારામ પરમાર, જી.આઈ.ડી.સી.ના ડાયરેક્ટર શ્રી પેથાભાઈ આહિર, નિરમા ગ્રુપના શ્રી પરશોત્તમભાઈ પિત્રોડા, રાવળજોગી સમાજના પ્રમુખ શ્રી ભરતભાઈ રાવળદેવ, આઈ.જી. શ્રી અશોકકુમાર યાદવ, કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણા, જીલ્લા વિકાસ અધિકારી શ્રી વરૂણકુમાર બરનવાલ, યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર શ્રી મહિપતસિંહ ચાવડા, ગંભીરસિંહ પઢીયાર, વિવિધ ક્ષેત્રોના આગેવાનો તેમજ બહોળી સંખ્યામા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.