ઉમરેઠના નાયબ મામલતદાર ૨.૨૫ લાખની લાંચ લેતા ઝડપાયા

પ્રતિકાત્મક
ભાલેજ ગામના વેચાણ દસ્તાવેજની પાકી નોંધ માટે ત્રણ લાખ માંગ્યા હતા
આણંદ, ઉમરેઠ તાલુકાના ભાલેજ ગામે વેચાણ દસ્તાવેજની પાકી નોંધ પ્રમાણીત કરવા માટે એક બિલ્ડર પાસે રૂા.૨.૨૫ લાખની લાંચ લેતા ઉમરેઠ મામલતદાર ક્ચેરીના ઈ.ધારા કેન્દ્રના નાયબ મામલતદાર ભાલેજની તાડપુરા ચોકડી પાસેથી રંગે હાથ એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં આવી ગયા છેે.
ભાલેજ ગામે કાકાની જમીન ખરીદી પ્લોટ પાડી ફરિયાદી કન્સ્ટ્રક્શનનું કામ કરતાં હતાં. તેમણે ૧૧ વિદ્યા જમીન વેચાણ દસ્તાવેજથી ખરીદી હતી. જેમાં ક્ષેત્રફળ બાબતે ક્ષતી જણાતાં તેમણે ક્ષતી સુધારણાનો દસ્તાવેજ કરી વેચાણ દસ્તાવેજની પાકી નોંધ પ્રમાણીત કરવા માટે ઉમરેઠ મામલતદાર ક્ચેરીનો સંપર્ક સાધ્યો હતો.
ઉમરેઠના ઈ.ધારા કેન્દ્રના નાયબ મામલતદાર જયપ્રકાશ પુરુષોત્તમભાઈ સોલંકીએ આ કામ માટે ૩ લાખની માંગણી કરી હતી. જે હા-ના કરતાં રૂ.૨,૨૫,૦૦૦માં નક્કી થયું હતું. ગુરુવારે ભાલેજની તાડપુરા ચોકકડી પાસે આવેલા અમન કોમ્પ્લેક્ષ નજીક નાયબ મામલતદાર જયપ્રકાશ સોલંકીને બોલાવીને ફરિયાદીએ ૨.૨૫ લાખની રકમ આપી હતી
જે સ્વીકારતાની સાથે જ એસીબીએ નાયબ મામલતદારને લાંચની રકમ સાથે ઝડપી પાડ્યા હતા. આ સમગ્ર ટ્રેપ ખેડા એસીબીના એમ એફ ચૌધરી તેમજ સ્ટાફના માણસો દ્વારા કરાઈ હતી.