ઉર્જામંત્રીની અધ્યક્ષતામાં અમદાવાદ જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થશે
અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાગલેના માર્ગદર્શન હેઠળ પ્રજાસત્તાક પર્વનું રિહર્સલ યોજાયું-જનસેવા માટે 11 કર્મયોગીઓનું પણ સન્માન કરાશે
અમદાવાદ જિલ્લામાં 72મો પ્રજાસત્તાક પર્વ રાજ્યના ઉર્જામંત્રી શ્રી સૌરભભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાશે. અમદાવાદ ગ્રામ્યના મકરબા ખાતેના પોલીસ હેડક્વાર્ટરમાં આયોજીત આ કાર્યક્રમનું રિહર્સલ રવિવારે જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાગલેના માર્ગદર્શનમાં યોજાયુ હતું.
72માં પ્રજાસત્તાક પર્વએ રાજ્યના ઉર્જામંત્રી શ્રી સૌરભભાઈ પટેલ સલામી ઝીલશે અને પ્રાસંગિક ઉદબોધન કરશે. આ ઉજવણી નિમિત્તે વિવિધ પોલીસ પ્લાટુન માર્ચપાસ્ટ કરશે. આ પરેડનું નેતૃત્વ ડીવાયએસપી શ્રી રિયાઝ સરવૈયા કરશે.
મકરબા ખાતેના પોલીસ હેડક્વાર્ટના પરેડ ગ્રાઉન્ડમાં આયોજીત કાર્યક્રમમાં પોલીસ પરેડ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સરખેજની સાર્વજનિક વિદ્યાલયના વિદ્યાર્થીઓ યોગ સૂર્યનમસ્કાર કરશે. જ્યારે ગોતાની શેઠ અમૂલખ વિદ્યાલયના વિદ્યાર્થીઓ સરદાર પટેલ – સમૂહ નૃત્ય કરશે. આ ઉપરાંત કામેશ્વર શાળાના વિદ્યાર્થીઓ ‘દેશ રે રંગીલા’ સમૂહ નૃત્ય પ્રસ્તૂત કરશે. લોટ્સ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા પણ વંદે માતરમ સમૂહ નૃત્યની પ્રસ્તુતી કરવામાં આવશે.
આ ઉપરાંત અમદાવાદ જિલ્લામાં ઉત્તમ કામગીરી બજાવનારા 11 કર્મયોગીઓનું સન્માન પણ કરાશે.જેમાં અમદાવાદ પશ્ચિમના પ્રાંત અધિકારી શ્રી જે.બી.દેસાઈને બ્લડ ડોનેશન, વૃક્ષારોપણ અને કોરોના મહામારીમાં કામગીરી માટે સન્માનિત કરાશે.
આ ઉપરાંત કોવીડમાં ઉત્તમ કામગીરી માટે 108ના ઈ.એમ.ટી શ્રી કલ્પેશ જાની, પાયલટ શ્રી પ્રેમજી પરમાર, ખીલખીલાટના કેપ્ટન શ્રી અનિલ રબારી, આરોગ્ય સંજીવનીના ડોક્ટર શ્રી કમલેશ ગંગેવ, શ્રી જીતેન્દ્ર દેસાઈ, લેબ ટેકનિશયન શ્રી તેજલ ચૌધરીનું પણ સન્માન કરાશે. આ ઉપરાંત મહિલા હેલ્પલાઈનના કાઉન્સેલર શ્રી બીનલ પટેલ અને આંબલી અર્બન હેલ્થ સેન્ટરના શ્રી ધવલકુમાર ચૌધરીને પણ સન્માનિત કરાશે.
સન્માનિતોની યાદીમાં બ્લડ ડોનર શ્રી સૂર્યકાંત નાયક અને શ્રી હરીશભાઈ પટેલનો પણ સમાવેશ થાય છે. શ્રી સૂર્યકાંતભાઈએ 108 વખતથી વધારે રકતદાન કર્યું છે, જ્યારે હરીશભાઈ પટેલે 238 વખતથી વધુ વાર રક્તદાન કર્યું છે.
મકરબા પોલીસ પરેડ ગ્રાઉડ ખાતે યોજાયેલા આ રિહર્સલમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, અધિક નિવાસી કલેક્ટરશ્રી અને વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.