ઉર્મિલા માતોંડકર સીએમ ઉધ્ધવ ઠાકરેની હાજરીમાં શિવસેનામાં જોડાઈ
મુંબઇ, બોલીવૂડ એક્ટ્રેસ ઉર્મિલા માંતોડકર આજે વિધિવત રીતે શિવસેનામાં સામેલ થઈ ગઈ છે.આજે મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેની હાજરીમાં ઉર્મિલાએ શિવસેનાનુ સભ્યપદ ગ્રહણ કર્યુ હતુ.
ઉર્મિલા શિવસેના સાથે જોડાશે તેવી અટકળો છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી હતી.કારણકે શિવસેનાએ ઉર્મિલા માંતોડકરને પોતાના ક્વોટામાંથી વિધાન પરિષદની સભ્ય બનાવવાનો નિર્ણય કર્યો છે.મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં રાજ્યપાલના ક્વોટામાંથી 12 સભ્યોની નિમણૂંક થતી હોય છે.મહારાષ્ટ્રમાં સરકાર બનાવનાર ત્રણ પક્ષો શિવસેના, કોંગ્રેસ અને એનસીપીએ ચાર-ચાર નામ રાજ્યપાલને મોકલી આપ્યા છે.શિવસેનાએ જે નામોની ભલામણ કરી છે તેમાં ઉર્મિલાનો પણ સમાવેશ થાય છે.એ પછી અટકળો શરુ થઈ ચુકી હતી કે, ઉર્મિલા શિવસેનામાં જોડાઈ શકે છે.
ઉર્મિલાએ 2019ની લોકસભા ચૂંટણીમાં મુંબઈની એક બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણઈ લડી હતી .જોકે મોદી લહેરમાં કોંગ્રેસનો મુંબઈની તમામ બેઠકો પર સફાયો થયો હતો અને ઉર્મિલા પણ ભાજપના ઉમેદવાર ગોપાલ શેટ્ટી સામે હારી ગઈ હતી.એ પછી ઉર્મિલાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધુ હતુ.