Western Times News

Gujarati News

ઊંઝાનાં MLA આશાબેન પટેલની ડેન્ગ્યુ બાદ હાલત નાજુક: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી

મહેસાણા જિલ્લાના ઊંઝાનાં ધારાસભ્ય આશાબેન પટેલ ડેન્ગ્યુ થયા બાદ તેમની હાલત ગંભીર છે. તેમનું લિવર ડેમેજ થયું હોવાની માહિતી સાંપડી રહી છે. ગઈકાલે સારવારાર્થે તેમને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં એડમિટ કરાયાં છે. મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરને કારણે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના ખબરઅંતર પૂછવા માટે ઝાયડસ હોસ્પિટલ દોડી ગયા હતા.

ઊંઝાનાં ધારાસભ્ય આશા પટેલને લઈ ઝાયડસ ડાયરેક્ટર ડૉ.વી.એન.શાહનું મહત્ત્વનું નિવેદન આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે આશા પટેલના મોટા ભાગનાં અંગો ફેલ થયાં છે.

આવા સંજોગોમાં રિક્વરીના ચાન્સ બહુ ઓછા હોય છે. હાલ તેમને બચાવવાના તમામ પ્રયત્નો અમે કરી રહ્યા છીએ. તેમનું નિયમિત ડાયાલિસિસ કરવામાં આવી રહ્યું છે અને તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યાં છે.

સીએમ ભૂપેન્દ્ર પટેલે તેમની ખબરઅંતર પૂછી હતી. કંઈપણ જરૂર હોય તો રાજ્ય સરકાર તેમને પૂરો સહયોગ આપવાની તેમણે ખાતરી આપી હતી.

આશાબેન પટેલને દિલ્હીથી પરત આવ્યાં પછી ડેન્ગ્યુ થયો હતો. તેમને 7 ડિસેમ્બરે તાવ આવ્યો હતો. બાદમાં તેમને ડેન્ગ્યુ થયો હોવાનું તારણ સામે આવ્યું હતું. બે દિવસ ઊંઝાની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર લીધી હતી.

જોકે ત્યાં તેમની તબિયત વધુ બગડતાં શુક્રવારે તેમને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડાયાં હતાં છે. ડેન્ગ્યુને કારણે તેમનું લિવર ડેમેજ થયું હોવાથી તેમની સ્થિતિ ગંભીર બનતાં હાલમાં તેમને વેન્ટિલેટર પર રાખાયાં હોવાનું સૂત્રો જણાવે છે.

સોલામાં ઉમિયાધામ મંદિરના શિલાન્યાસ સમારોહ યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ત્યાર બાદ તેઓ સીધા જ ઝાયડસ હોસ્પિટલ પહોંચ્યા હતા. અહીં તેઓ ધારાસભ્ય આશાબેન પટેલની ખબરઅંતર પૂછવા ગયા હતા. ત્યારે મંત્રી બ્રિજેશ મેરજા પણ ઊંઝાના ધારાસભ્યના હાલચાલ પૂછવા દોડી ગયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.